કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમ્ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને નાણાંની હેરાફેરીના કુલ છ કેસ થયા છે. તમામમાં સીબીઆઇ, ઇડી, ઇન્કમ ટેક્સ વિભાગ તેમની પૂછપરછ કરી રહ્યા છે કે સમન્સ પાઠવી ચૂક્યા છે. ત્રણ કેસમાં ચિદમ્બરમને વચગાળાના જામીન મળ્યા છે તો ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં ચિદમ્બરમ્ સાથે તેમની પત્ની નલિની, પુત્ર કાર્તિ અને પુત્રવધૂ શ્રીનિધિ પણ આરોપી છે.
• આઇએનએક્સ મીડિયાઃ ચિદમ્બરમ્ સામે મોટો આરોપ આઇએનએક્સ મીડિયા ગ્રૂપને ૩૦૫ કરોડ રૂપિયાનું વિદેશી ભંડોળ લેવા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)ની મંજૂરીમાં ગેરરીતિ આચરવાનો છે. મામલો ૨૦૦૭નો છે. તે સમયે ચિદમ્બરમ્ નાણાં પ્રધાન હતા. આઇએનએક્સ પ્રમોટર ઇન્દ્રાણી મુખર્જી અને તેના પતિ પીટર મુખર્જીની ઇડીએ પૂછપરછ કરી ત્યારે મામલો બહાર આવ્યો. ઇન્દ્રાણીએ જણાવ્યું કે ચિદમ્બરમે મંજૂરીના બદલામાં પુત્ર કાર્તિને વિદેશી નાણાં મામલે મદદની વાત કહી હતી.
• એરસેલ-મેક્સિસ સોદોઃ એરસેલ-મેક્સિસના ૩૫૦૦ કરોડના સોદાની સીબીઆઇ તપાસ કરે છે. ૨૦૦૬માં મેક્સિસે એરસેલમાં ૧૦૦ ટકા હિસ્સેદારી લીધી ત્યારે ચિદમ્બરમ્ નાણાં પ્રધાન હતા. ટુ-જી સાથે જોડાયેલા કેસમાં ચિદમ્બરમ્ અને તેના પરિવાર સામે હવાલા કેસ નોંધાયેલો છે. વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપવાની નાણાં પ્રધાનની મર્યાદા ૬૦૦ કરોડ હોવા છતાં ચિદમ્બરમે ૩૫૦૦ કરોડ રૂપિયાની ડીલ કેબિનેટની મંજૂરી વિના પાસ કરાવી હતી.
• શારદા ચિટફંડ કૌભાંડઃ ચિદમ્બરમની પત્ની નલિની વિરુદ્ધ સીબીઆઇ શારદા ચિટફંડ કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. તેમની સામે ૧.૪ કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. કલકત્તા હાઇ કોર્ટે ધરપકડ સામે વચગાળાનો સ્ટે આપ્યો છે.
• બ્લેક મની મામલોઃ ચિદમ્બરમ્, પત્ની નલિની, પુત્ર કાર્તિ, પુત્રવધૂ શ્રીનિધિ સામે કાળું નાણું અને કર અધિનિયમ ૨૦૧૫ના ઉલ્લંઘનનો આરોપ છે. મદ્રાસ હાઇ કોર્ટે ૨૦૧૮માં આઇટી વિભાગ દ્વારા કેસ ચલાવવાની મંજૂરી સંબંધી આદેશ રદ કર્યા હતા.
• એવિયેશન કૌભાંડઃ ઇડીએ ચિદમ્બરમને એવિયેશન કૌભાંડમાં સમન્સ મોકલ્યું છે. ચિદમ્બરમ્ નાણાં પ્રધાન હતા તે વેળા ૧૧૧ પેસેન્જર વિમાનની ખરીદીમાં કૌભાંડની તપાસ ચાલે છે. તે સમયે નાગરિક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ્લ પટેલ આ કેસમાં આરોપી છે.
• ઇશરત જહાં કેસઃ ચિદમ્બરમ્ વિરુદ્ધ ઇશરત જહાં કેસની એક ખૂબ મહત્ત્વની એફિડેવિટ સાથે ચેડાં કરવા અંગેની ફરિયાદ દિલ્હી પોલીસમાં પડતર છે. આરોપ છે કે એફિડેવિટ સાથે ચેડાં કરાયા હતા ત્યારે ચિદમ્બરમ્ ગૃહ પ્રધાન હતા. આ કેસમાં હાલના ગૃહ પ્રધાન અમિત શાહ પણ આરોપી હતા.


