નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા કેસમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ગૃહ – નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને દિલ્હીની રાઉઝ કોર્ટે ૨૬ ઓગસ્ટ સુધી સીબીઆઈ રિમાન્ડ પર સોંપ્યા છે. તો બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવાર ૨૬ ઓગસ્ટ સુધી તેમના આગોતરા જામીન મંજૂર કર્યા છે.
બુધવારે મોડી રાત્રે સીબીઆઈ અને ઈડીનાં અધિકારીઓ દ્વારા ચિદમ્બરમ્ની તેમનાં ઘરેથી લાંબા ડ્રામા પછી ધરપકડ કરાઈ હતી. તેમને રાત સીબીઆઈનાં હેડ ક્વાર્ટરમાં રાખવામાં આવ્યા હતા. બુધવાર રાતથી સીબીઆઇની કસ્ટડીમાં રહેલા ચિદમ્બરમને ગુરુવારે બપોરે રાઉઝ એવન્યુ ખાતે જજ અજય કુમાર કુહાડની સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજૂ કરાયા હતા.
ચિદમ્બરમના વકીલોએ તેમના જામીન મંજૂર કરવા દલીલો કરી હતી, જોકે કોર્ટે તે ફગાવી દીધી હતી. સુનાવણી બાદ કોર્ટે થોડોક સમય ચુકાદો અનામત રાખ્યા બાદ ૫ દિવસ માટે સીબીઆઈ રિમાન્ડ પર સોંપવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે તથ્યો અને હકીકતોને ધ્યાનમાં લીધા પછી ચિદમ્બરમને કસ્ટડીમાં મોકલવાનું ન્યાયોચિત છે. સાથે સાથે કોર્ટે એવી છુટ પણ આપી હતી કે વકીલો તેમજ પરિવારનાં સભ્યો દરરોજ ૩૦ મિનિટ ચિદમ્બરમને મળી શકશે. કોર્ટે રિમાન્ડ દરમિયાન આરોપીનું અંગત સન્માન જાળવવાની પણ સીબીઆઈને તાકીદ કરી હતી. ચિદમ્બરમ્ સામે રૂ. ૩૦૫ કરોડનાં વિદેશી રોકાણ માટે INX મીડિયાને ખોટી રીતે મંજૂરી આપ્યાનો કેસ કરાયો છે. જેમાં ચિદમ્બરમ્ અને તેમના પુત્ર કાર્તિ દ્વારા લાંચ લેવાનો આરોપ છે.
સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે, આઇએનએક્સ મીડિયા દ્વારા ખોટી રીતે એફડીઆઇ રોકાણ કરાયું હતું જેમાં એફઆઇપીબીનાં નિયમોનો ભંગ કરાયો હતો. ચિદમ્બરમને કારણે આઇએનએક્સને ફાયદો થયો જે નાણાં પછીથી અન્ય કંપનીઓને આપવામાં આવ્યા. ૫૦ લાખ ડોલર કાર્તિ ચિદમ્બરમની કંપનીને અપાયા. ચિદમ્બરમે પદ અને સત્તાનો દુરુપયોગ કર્યો છે.
ઇડીના કેસમાં વચગાળાના જામીન
દરમિયાન સુપ્રીમ કોર્ટે ઇડી સંબંધિત કેસમાં ચિદમ્બરમના ૨૬ તારીખ, સોમવાર સુધીના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલાની સુનાવણી સોમવારે કરશે. આ જામીન તેમને ઈડીના કેસમાં અપાયા હોવાથી સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીબીઆઈ દ્વારા તેમની ધરપકડના મામલે પણ તે સોમવારે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ આર. ભાનુમતી અને એ. એસ. બોપન્નાએ આ કેસમાં સુનાવણી કરી હતી.
કોર્ટમાં સીબીઆઈએ દલીલ કરી હતી કે ચિદમ્બરમ્ હાલ કસ્ટડીમાં છે, એટલે આગોતરા જામીનની અરજી ટકવાપાત્ર નથી. ચિદમ્બરમ વતી હાજર રહેલા કપિલ સિબ્બલે કહ્યું હતું કે મને સુનાવણીનો અધિકાર છે. મને જીવવાનો અધિકાર છે. અમારો કેસ સાંભળવામાં આવે. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે પિટિશન પ્રભાવહિન થઈ ગઈ છે.
બાદમાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે ‘અમે સીબીઆઈની ધરપકડનો વિરોધ કર્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટ એના પર પણ સુનાવણી કરશે.’
આમ હવે ઈડીને લગતા કેસ તથા સીબીઆઈને લગતા કેસની તેમજ ધરપકડ અને આગળના જામીનની સુનાવણી સોમવારે થશે.
વકીલ કપિલ સિબ્બલે ટ્વિટર પર કહ્યું કે અર્થતંત્ર આઈસીયુમાં છે અને જે લોકો નાગરિક સ્વાતંત્ર્યનો બચાવ કરે છે, એમને લૂક-આઉટ નોટિસ અપાય છે.
દરેક સવાલના જવાબ આપ્યા છે: ચિદમ્બરમ્
કોર્ટમાં સુનાવણી દરમિયાન ચિદમ્બરમે દાવો કર્યો હતો કે તેમણે સીબીઆઈને તમામ સવાલના જવાબ આપ્યા છે. તેમના વકીલે જ્યારે ચિદમ્બરમને કોર્ટમાં દલીલો રજૂ કરવાની માગણી કરી ત્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તેનો વિરોધ કર્યો હતો. જોકે જજે ચિદમ્બરમને બોલવાની મંજૂરી આપી હતી. ચિદમ્બરમે કહ્યું હતું કે મેં તમામ સવાલના જવાબ આપ્યા છે. એવો કોઈ સવાલ નથી કે જેનો મેં જવાબ આપ્યો ન હોય. સીબીઆઈએ મને પૂછયું કે શું તમારા વિદેશમાં કોઈ ખાતા છે ત્યારે મેં ના કહી હતી. મારા પુત્રનાં વિદેશમાં ખાતા છે કે કેમ તેવું પુછયું ત્યારે મેં હા કહી હતી.


