નવી દિલ્હીઃ ચીન સાથે ડોકલામ વિવાદ પૂર્ણ થયા બાદ સેનાના વડા બિપીન રાવતે જણાવ્યું હતું કે, ચીન ભારત સામે બાંયો ચઢાવી રહ્યું છે અને પાકિસ્તાન તેનો લાભ લે તેવી શકયતા છે. ચીન અને પાકિસ્તાન ભારતના વિરોધીઓ છે. દેશે ટુ ફ્રન્ટ વોર માટે તૈયારી રાખવી પડશે. પાકિસ્તાન ભારતને મુખ્ય દુશ્મન ગણે છે અને ગુપ્ત યુદ્ધ ચાલુ રાખે છે. પાકિસ્તાન સાથેના મતભેદ ટૂંકમાં ઉકેલાવાના નથી તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે યુદ્ધ વાસ્તવિકતાથી દૂર નથી. લોકશાહીમાં પડોશી દેશો સાથે યુદ્ધ ન થાય તેમ માનવું નહીં.
ચીનનો પગપેસારો ચાલુ
ભારતીય સરહદમાં ચીન ઘૂસી રહ્યું છે અને ભારતની ધીરજની કસોટી કરે છે. આ સ્થિતિ આપણને યુદ્ધ માટે તૈયાર રહેવાનું સૂચન કરે છે.
ઉલ્લેખનીય છે કે ભારત ચીન વચ્ચેના ૭૩ દિવસના ડોકલામ વિવાદના ઉકેલ પછી સેનાના વડાનું આ નિવેદન મહત્ત્વનું છે. ભારતે યુદ્ધ માટે તૈયાર રહેવું જ પડશે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે સેનાના અધિકારીઓએ અનેક વખત ચેતવણી આપી છે કે ભારત ચીન વિવાદનો લાભ પાકિસ્તાન લઈ શકે છે.
ત્રણ વર્ષ અગાઉ ભારતીય વાયુ દળે જણાવ્યું હતું કે, પાકિસ્તાન ચીન દ્વારા ઉભા કરાયેલા વિવાદનો લાભ લેશે. અને ભારત વિરોધી પ્રવૃત્તિ કરશે. ચીન તરફથી મોટો ભય નથી, છતાં ખરેખર તો ભય પાકિસ્તાન તરફથી છે. દેશની સેનાઓના આધુનિકરણ પર પણ અસર થશે અને સેનાના બજેટની ફાળવણી પ્રભાવિત થશે. યુદ્ધ માત્ર સેના નહીં પણ આખો દેશ લડે છે એટલે આપણે તૈયાર રહેવું પડે તેમ તેમણે ઉમેર્યું હતું. સેનાના વડા સેન્ટર ફોર લેન્ડ વોર ફેર સ્ટડીઝના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દોકલામ મુદ્દે ચીન ભારત સામે મીડિયાનો ઉપયોગ કરી સાયકોલોજીકલ યુદ્ધ લડી રહ્યું છે.
સેનાના વડાએ નાના વિવાદો યુદ્ધ તરફ દોરી જાય નહિ તેવા સૂચનને ફગાવી સેના માટે માટે પૂરતી આર્થિક ફાળવણીની માગ કરી હતી. છેલ્લે તેમણે ઉમેર્યું હતું કે, પાકિસ્તાને આડોડાઈની તમામ હદ વટાવી દીધી છે ત્યારે ભારત તેનું આ ગુપ્ત યુદ્ધ ક્યાં સુધી સહન કરશે. હવે યુદ્ધ ક્યારે થાય તે અટકળ કરવી પણ મુશ્કેલ છે.