બિજિંગઃ ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં એવા અહેવાલો છે કે ચીને અરુણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરી હતી. ગયા મહિને જ આશરે એક કિમી સુધી ચીની સૈનિકો ઘૂસી આવ્યા હતા. આ વિસ્તારમાં ચીની સૈનિકો રોડ બનાવવા માગતા હતા. સૈનિકો રોડ બનાવવાની તોતિંગ મશીનરીઓ સાથે ઘૂસ્યા હતા. જોકે આ સૈનિકોને ભારતીય સૈન્યએ અંદર આવતાંની સાથે જ અટકાવી દીધા હતા અને તેમની પાસેની મશીનરીને પણ જપ્ત કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ બન્ને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે નવી દિલ્હીમાં એક બેઠક મળી હતી. આવી સ્થિતિમાં અહેવાલો બહાર આવ્યા છે કે એક તરફ ચીન શાંતિની વાતો કરી રહ્યું છે જ્યારે બીજી તરફ આ જ ચીને અરુણાચલ પ્રદેશમાં પેસી ગયું હતું. જોકે આવી કોઇ જ ઘૂસણખોરી કરી હોવાનો ચીની સૈન્યના કેટલાક અધિકારીઓએ ઇનકાર કર્યો હતો, પણ બીજી બાજુ એવા મીડિયા રિપોર્ટ બહાર આવી રહ્યા છે કે આ ઘુસણખોરી ડિસેમ્બર મહિનાના અંતમાં થઈ હતી. સરહદે સ્થિતિ પણ તંગ થઈ હતી કેમ કે ચીની અને ભારતીય સૈન્ય સામ સામે આવી ગયું હતું.