ચીને LAC પર ૩૫ આધુનિક ટેન્કો તૈનાત કરી

Tuesday 05th January 2021 14:54 EST
 
 

નવી દિલ્હીઃ ચીન એક તરફ શાંતિ વાટાઘાટો કરવાનો ડોળ કરે છે ત્યારે તાજેતરમાં ભારત – ચીનની એલએસી સરહદના કેટલાક વીડિયો સામે આવ્યા છે. જેમાં દાવો કરાયો છે કે, ચીને એલએસી ઉપર ભારતીય ચોકીઓ સામે આધુનિક તોપ તૈનાત કરી છે. મીડિયા અહેવાલો પ્રમાણે ચીન દ્વારા રેઝાંગ લા, રેચીન લા અને મુખોપરીમાં ૩૦થી ૩૫ જેટલી લાઇટવેઇટ અને આધુનિક ટેન્ક ગોઠવાઈ છે. બીજી બાજુ સરહદે ચીનને આક્રમક જવાબ આપવા માટે ભારતે પૂરતી તૈયારીઓ પણ કરી છે. ભારતે પહેલી વખત ૧૭૦૦૦ ફૂટની ઊંચાઈએ ટેન્કો ગોઠવી છે. ભારતે પહેલી વાર આટલી ઊંચાઈએ ટેન્કો ગોઠવી છે. પૂર્વ લદાખના રેઝાંગ લા, રેચિન લા અને મુખોપરીના પહાડો ઉપર આ ટેન્કો મુકાઈ છે.
હિન્દ મહાસાગરમાં ચીનના ડ્રોન
ચીને હિન્દ મહાસાગરમાં તૈનાત કરેલા સી વિંગ (હૈયી) ગ્લાઇડર ડ્રોન ચીનની નેવી માટે ગુપ્તચર માહિતી એકઠી કરવાનું કામ કરે છે તેવા અહેવાલ હતા. સંરક્ષણ નિષ્ણાત એચ.આઇ.સટના ‘ફોર્બ્સ’માં છપાયેલા લેખમાં જણાવાયું કે, આ અમેરિકન નેવી વાપરે છે. તેવા જ ડ્રોન છે. ચીન ૨૦૧૬માં દરિયાઇ જહાજોની સુરક્ષિત અવરજનવર માટે તેનો ઉપયોગ શરૂ કર્યો હતો.
દિલ્હીમાં ચીની કંપનીને ટનલનું કામ સોંપાયું
બીજી તરફ એ વિવાદ વકર્યો છે કે ભારતમાં ચીની કંપનીઓનો કોન્ટ્રાક્ટ આપવાની પરંપરા ચાલુ છે. તાજેતરમાં દિલ્હી-મેરઠ રેપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ માટે ટનલ બનાવવાનો કોન્ટ્રાક્ટ ચીની કંપનીને અપાયો હોવાનું બહાર આવ્યું છે. નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા દિલ્હી-મેરઠ (RRTS) માટે ટનલ બનાવવાનું કામ ચીની કંપની શાંઘાઈ ટનલ એન્જિનિયરિંગ લિમિટેડને અપાયું છે. આ કંપની અશોકનગરથી સાહિબાબાદ સુધી ૫.૬ કિ.મી.ના અંડરગ્રાઉન્ડ સ્ટ્રેચનું નિર્માણ કરશે. આ મુદ્દે એનસીઆરટીસીએ જણાવ્યું કે, આ કોન્ટ્રાક્ટ આપવા મુદ્દે તમામ પ્રક્રિયાનું સમગ્ર રીતે પાલન કરાયું છે. બોલી લગાવવાની પ્રક્રિયાના અંતે જ ચીની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
ચીને વિશ્વયુદ્ધની તૈયારી શરૂ કરી?
ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશનને વધારે શક્તિ આપવા માટે ચીનની સત્તાધારી પાર્ટીએ કાયદામાં સુધારો કર્યો છે. પ્રમુખ શી જિનપિંગે એ કાયદામાં સહી કરી દેતાં હવે મિલિટરી કમિશનના અધ્યક્ષ શી જિનપિંગને યુદ્ધનો આદેશ આપવા માટેની અપાર સત્તા મળી છે.
ચીનની લશ્કરી ગતિવિધિ પર નજર રાખતા વિશ્વભરના નિષ્ણાતો એવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે કે ચીન વિશ્વયુદ્ધની તૈયારીમાં પડયું છે. બધી જ સરહદે ચીને એક યા બીજી રીતે વિવાદ સર્જી દીધો છે. લદ્દાખ સરહદે તંગદિલી સર્જનારા ચીનને દક્ષિણ ચીની સમુદ્રમાં કેટલાય દેશો સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે.
નવા કાયદા પ્રમાણે નાગરિકોના રક્ષણ અને દેશહિતના બહાને જિનપિંગ ગમે ત્યારે ગમે તેની સાથે યુદ્ધ જાહેર કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter