ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પરના યૌનશોષણનાં આરોપો સુપ્રીમે ફગાવ્યા

Wednesday 08th May 2019 07:06 EDT
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની ઈનહાઉસ સમિતિએ યૌનશોષણનાં આરોપોમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને સોમવારે ક્લિન ચિટ આપી હતી. કમિટિનાં સભ્યોએ કહ્યું હતું કે તપાસ અને પૂછપરછ પછી અમે એવા નિર્ણય પર પહોંચ્યા છીએ કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે જે આરોપ છે તે નિરાધાર છે. સુપ્રીમની આ ઈનહાઉસ સમિતિમાં જસ્ટિસ બોબડે ઉપરાંત જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જી હતા.
સમિતિએ કોર્ટમાં તેમનો રિપોર્ટ રજૂ કર્યો હતો જેની નકલ ચીફ જસ્ટિસ ઉપરાંત અન્ય વરિષ્ઠ જજોને પણ અપાઈ હતી. સુપ્રીમની એક પૂર્વ કર્મચારીએ થોડા દિવસ પહેલા ચીફ જસ્ટિસ સામે એફિડેવિટ કરીને યૌનશોષણની ફરિયાદ કરી હતી. ચીફ જસ્ટિસે તેમની સામેનાં આરોપોને ખોટા ગણાવીને સુપ્રીમ કોર્ટની ઓફિસને નિષ્ક્રિય કરવા આ આરોપ લગાવાયાનું કહ્યું હતુ. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, આગામી સમયમાં હું કેટલાક મહત્ત્વનાં ચુકાદાઓ આપવાનો છું તેથી મને ખોટી રીતે ફસાવાઈ રહ્યો છે. મારી સામેની આવી ફરિયાદથી દેશનાં ન્યાયતંત્ર સામે ખતરો સર્જાયો છે.
કેસ મહિલાની ગેરહાજરીમાં ન ચલાવો: જસ્ટિસ ચંદ્રચૂડ
ગોગોઈ સામેના કેસ બાબતે જોકે સોમવારે જસ્ટિસ વાય વી ચંદ્રચૂડે કહ્યું કે, તપાસ કરતી સમિતિએ મહિલાની ગેરહાજરીમાં કેસ ચલાવવો જોઈએ નહીં. મહિલાની હાજરી વિના જાતીય સતામણીનો કેસ ચલાવવાથી સુપ્રીમની પ્રતિષ્ઠા ખરડાશે. તેવો જસ્ટિસ ચંદ્રચૂડનો મત હતો.
 રિપોર્ટ જાહેર કરવાની માગ
સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકીલ ઇંદિરા જયસિંહે કમિટિનાં રિપોર્ટને જાહેર કરવાની માગણી કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટની ઈનહાઉસ સમિતિએ આ રિપોર્ટ જાહેર કરવાનો ઈનકાર કર્યો હતો.
મહિલા કેસથી અલગ થઈ
જોકે જાતીય શોષણની ફરિયાદ કરનાર મહિલાએ આ કેસમાં પોતાને તપાસથી અલગ કરી હતી અને સુનાવણીમાં હાજર રહેવા પણ ઈનકાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter