ચુકાદા સામે રિવ્યુ પિટિશન નહીંઃ સુન્ની વકફ બોર્ડનો નિર્ણય

Tuesday 03rd December 2019 07:02 EST
 
 

નવી દિલ્હીઃ અયોધ્યા રામ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા સામે રિવ્યૂ પિટિશન નહીં કરવાનો નિર્ણય સુન્ની વક્ફ બોર્ડે કર્યો છે. બેઠકમાં સાતમાંથી છ સભ્યોએ રિવ્યૂ પિટિશન નહીં કરવાનો અભિપ્રાય આપ્યો હતો. જોકે બેઠકમાં મસ્જિદની જમીન મુદ્દે કોઈ ચર્ચા કરાઈ ન હતી. વકફ બોર્ડના આ નિર્ણયથી રામમંદિર બનાવવાનો માર્ગ હવે ખૂલ્લો થયો હોવાના સંકેતો મળે છે.
સુન્ની વકફ બોર્ડના સભ્ય અબ્દુલ રઝાક ખાને કહ્યું હતું કે, અમારી મિટિંગમાં બહુમતીથી ચુકાદા સામે રિવ્યૂ પિટિશન નહીં કરવાનો ઠરાવ પસાર કરાયો હતો. જોકે સુપ્રીમ કોર્ટના આદેશમાં જણાવ્યા મુજબ મસ્જિદ માટેની પાંચ એકર જમીન મામલે બેઠકમાં કોઈ ચર્ચા થઈ ન હતી. બોર્ડે અગાઉ પણ તેઓ રિવ્યૂ પિટિશનની તરફેણમાં નથી તેમ જણાવ્યું હતું.

મુસ્લિમ અગ્રણીઓ પણ સંમત

આ અગાઉ દેશની ૧૦૦ દિગ્ગજ મુસ્લિમ હસ્તીઓએ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે સંમતિ દર્શાવતા સૂચિત રિવ્યૂ પિટિશનનો વિરોધ કર્યો હતો. જેમાં નસીરુદ્દીન શાહ અને શબાના આઝમી જેવા ફિલ્મ સિતારાઓનો સમાવેશ થાય છે. મુસ્લિમ બુદ્ધિજીવીઓએ કહ્યું હતું કે રિવ્યૂ પિટિશન કરવાથી મુસ્લિમોને જ નુકસાન થશે. જોકે મુસ્લિમ પર્સનલ બોર્ડ દ્વારા થોડા દિવસ પહેલાં લખનઉની બેઠકમાં એવો મત વ્યક્ત કર્યો હતો કે સુપ્રીમના ચુકાદા સામે રિવ્યૂ પિટિશન કરવાનો તેમને અધિકાર છે અને તેઓ આ અધિકારનો ઉપયોગ કરશે.

જમીન મામલે પછી નિર્ણય

નવી જગ્યાએ મસ્જિદ માટે ૫ એકર જમીન લેવી કે નહીં તે મુદ્દે બોર્ડની હવે પછી મળનારી બેઠકમાં નિર્ણય લેવાશે. બોર્ડના સભ્ય અબ્દુલ રઝાકે કહ્યું કે સરકાર જ્યારે મસ્જિદ માટે જમીન ઓફર કરશે ત્યારે તેનું સ્થળ અને અન્ય પાસાઓ વિચાર્યા પછી જમીન મામલે ચર્ચા કરવામાં આવશે. કેટલાક સભ્યોએ દલીલ કરી હતી કે મસ્જિદની જગ્યાએ મસ્જિદ જ રહેવી જોઈએ તેના સ્થળમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં. બોર્ડમાં એકમાત્ર અબ્દુલ રઝાકે જ ચુકાદા સામે રિવ્યૂ પિટિશન કરવાનો મત દર્શાવ્યો હતો. જ્યારે અન્ય ૬ સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો.

જમીન પર હોસ્પિટલ કે શિક્ષણ સંસ્થા બનાવો

સુન્ની વક્ફ બોર્ડના ચેરમેન ઝફર ફારુકીએ પહેલા જ પોતાનો મત દર્શાવી ચૂક્યા છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે રિવ્યૂ પિટિશન કરવી જોઈએ નહીં. જોકે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડ દ્વારા રિવ્યૂ પિટિશન કરવાનો નિર્ણય લેવાયો હતો. આ પછી સુન્ની વકફ બોર્ડ બે છાવણીમાં વહેંચાઇ ગયું હતું. કેટલાક લોકોએ મસ્જિદ માટે ફાળવવામાં આવનાર જમીન પર મુસ્લિમો માટે હોસ્પિટલ કે શિક્ષણ સંસ્થા બાંધવાનો મત વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter