ચૂંટણી જાહેરાતની સાથે સાથે...

Tuesday 19th March 2024 16:27 EDT
 
 

ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી
લોકસભા ચૂંટણીની સાથોસાથ ચાર રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં અરુણાચલ પ્રદેશની 60 અને સિક્કિમની 32 વિધાનસભા બેઠક માટે 19 એપ્રિલે મતદાન યોજાશે. એ જ પ્રમાણે આંધ્ર પ્રદેશની 175 અને ઓડિશાની 147 વિધાનસભા બેઠકો માટે 13 મેના રોજ મતદાન યોજાશે. આ રાજ્યોની ચૂંટણીના પરિણામોની જાહેરાત લોકસભા ચૂંટણી પરિણામના બે દિવસ પૂર્વે બીજી જૂનના રોજ કરાશે. આંધ્ર પ્રદેશ. સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાં વિધાનસભાઓનો કાર્યકાળ પણ જૂનમાં અલગ અલગ તારીખો પર સમાપ્ત થઈ રહ્યો છે.
લોકસભા બાદ તરત જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી બાદ તરત વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતુ કે સુરક્ષાના કારણોસર જમ્મુ-કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે સંભવ નથી. એક વાર લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી કરાવાશે. જમ્મુ-કાશ્મીરમાં હાલ રાષ્ટ્રપતિ શાસન છે. અહીં પાછલા છ વર્ષથી ચૂંટણી યોજાઈ નથી. જોકે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 30 સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી યોજી દેવાશે.
હિંસાની ફરિયાદનો 100 મિનિટમાં નિવેડો
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે લોકસભાની ચુંટણી દરમિયાન હિંસાની કોઈ સંભાવના નથી. હિંસા સાથે સંકળાયેલી કોઈ પણ ફરિયાદને 100 મિનિટમાં દૂર કરાશે. અમારો વાયદો એ પ્રકારે રાષ્ટ્રીય ચૂંટણી કરાવવાનો છે જેને પગલે વિશ્વસ્તરે ભારતનું ગૌરવ વધે. ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. સરહદી ક્ષેત્રમાં ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવશે.
‘હું કલંકિત છું...’ જાહેરાત આપવી પડશે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, આ વખતે ચૂંટણીમાં કલંકિત ઉમેદવારોએ અખબારોમાં ત્રણ વખત જાહેરખબર પ્રકાશિત કરાવવી પડશે. જે ઉમેદવારોનો ગુનાઈત રેકોર્ડ હોય તેમણે જાહેરાતમાં લખવું પડશે કે ‘હું કલંકિત છું.’ વધુમાં તેમણે આ જાહેરાતોમાં તેમના ગુનાઈત કેસોની વિગતો પણ આપવી પડશે. આ ઉપરાંત એ તમામ રાજકીય પક્ષોએ પણ અખબારોમાં જાહેરાત આપવી પડશે કે તેમના કેટલા ઉમેદવારો ગુનાઈત રેકોર્ડ ધરાવે છે એટલે કે કલંકિત છે.
12 રાજ્યોમાં પુરુષો કરતાં મહિલા મતદારો વધુ
દેશના 12 રાજ્યમાં પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે. દેશમાં કુલ 47.1 કરોડ મહિલા મતદારો છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે દેશમાં દર 1000 પુરુષદીઠ 948 મહિલાનો જેન્ડર રેશિયો છે, જે ઇલેક્ટોરલ સાઇકલમાં મહિલાઓની ભાગીદારીનો ઘણો તંદુરસ્ત સંકેત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter