રાયપુરઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે છત્તીસગઢમાં વચન આપ્યું હતું કે જો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો દેશના પ્રત્યેક ગરીબને લઘુતમ વેતન આપવામાં આવશે. રાહુલે કહ્યું કે આ ઐતિહાસિક પગલું લેવાતાં ગરીબી અને ભૂખમરો નાબૂદ કરવામાં મદદ મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ બે ભારત બનાવવા માગે છે. એક ભારત રાફેલ ગોટાળા અને ઉદ્યોગપતિ મિત્રોનું અને બીજું ગરીબોનું ભારત. પાક વીમા યોજના સામે સવાલ ઉઠાવતાં રાહુલે જણાવ્યું હતું કે શું કારણ છે કે વીમા કંપનીને નાણાં આપ્યા પછી ખેડૂતોને કરા પડતાં વળતરના નાણાં નથી મળતા? બધો ફાયદો અનિલ અંબાણીની કંપનીને કેમ થાય છે?
નવા રાયપુરમાં ખેડૂત રેલીને સંબોધતાં રાહુલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ મનરેગા યોજના હેઠળ ૧૦૦ દિવસની રોજગારીની બાંયધરી આપી હતી, માહિતી અધિકાર આપીને જનતાને નોકરશાહી સુધી પહોંચવાના દરવાજા ખોલી આપ્યા હતા, ભોજનનો અધિકાર પણ આપ્યો અને હવે લઘુતમ આવકની ગેરંટી આપશે.
શું છે લઘુતમ આવકની ગેરંટી?
લઘુતમ આવકની ગેરંટી તે યુનિવર્સલ બેઝિક ઈન્કમ સ્કીમ છે. તે યોજના હેઠળ સરકાર દેશના ગરીબોને વિના શરતે એક નિશ્ચિત રકમ આપે છે. તેનો અર્થ એ થયો કે સરકારે પ્રત્યેક ગરીબને ચોક્કસ મુદતે એક નક્કી રકમ આપવી પડશે. જોકે આ યોજના હેઠળ ગરીબની વ્યાખ્યા કઈ હશે તે સરકાર જ નક્કી કરશે.


