કોલકાતા: પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા એક ઐતિહાસિક નિર્ણય હેઠળ પ્રથમ વખત જિલ્લાવાર નવી મતદાર યાદી જાહેર કરાઇ છે. આ નવી યાદીમાંથી પંચે 91 લાખ મતદારોના નામ દૂર કર્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કુલ 60,06,675 મતદારો તપાસના દાયરામાં હતા, જેમાંથી ઝીણવટભરી ચકાસણી બાદ 27,16,393 નામો અયોગ્ય ઠરતા તેને કાઢી નાખવામાં આવ્યા છે. આ પૂર્વે ફેબ્રુઆરીમાં પ્રકાશિત થયેલી યાદી અને હાલની પ્રક્રિયાને ગણતા કુલ બાદ કરાયેલા નામોની સંખ્યા હવે 90,83,345 સુધી પહોંચી ગઈ છે.
જિલ્લાવાર આંકડાઓની વાત કરીએ તો, મતદાર યાદીમાંથી સૌથી વધુ નામો મુર્શિદાબાદ જિલ્લામાં દૂર કરવામાં આવ્યા છે, જ્યાં અંદાજે 4.55 લાખ મતદારોને અયોગ્ય જાહેર કરાયા છે. ત્યારબાદ ઉત્તર 24 પરગણામાં 3.25 લાખ, માલદામાં 2.39 લાખ, દક્ષિણ 24 પરગણામાં 2.22 લાખ અને નાદિયામાં 2.08 લાખ જેટલા નામો કાઢી નાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત ઉત્તર દિનાજપુરમાં 1.76 લાખ અને હુગલીમાં 1.20 લાખ જેટલા મતદારોને લિસ્ટમાંથી બહાર કરાયા છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે લિસ્ટને અંતિમ ઓપ આપતા પહેલા દરેક નામની કાયદેસરની સમીક્ષા કરાઇ છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસ હેઠળના 60 લાખથી વધુ મતદારોમાંથી 32 લાખથી વધુને યોગ્ય જાહેર કરાયા છે, જ્યારે બાકીનાને અયોગ્ય ઠેરવાયા છે.
આ સિવાય અંદાજે 22,163 મતદારોના કેસ ઉકેલાઈ ગયા છે પરંતુ તેના પર ડિજિટલ હસ્તાક્ષર બાકી હોવાથી આગામી સમયમાં કાઢી નંખાયેલા નામોની સંખ્યામાં થોડો વધારો થઈ શકે છે. મહત્ત્વની વાત એ છે કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર જે મતદારોને અયોગ્ય જાહેર કરાયા છે, તેમને આ નિર્ણય સામે ન્યાયિક ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરવાની તક મળશે.


