નવી દિલ્હી: સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન ઉક્તિ ઇન્ડિયા બ્લોક માટે ખરા અર્થમાં સાકાર થઇ છે. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામે તેના હાલ બેહાલ કરી નાંખ્યા છે. કેરળનો અંતિમ કિલ્લો તૂટતા ડાબેરીઓનો દેશમાં અસ્ત થયો છે. બંગાળીઓએ મમતા બેનરજીને ફગાવી દઈ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા છે. તો તામિલનાડુમાં ડીએમકેનો કિલ્લો ધરાશાયી થઇ ગયો છે. આમ 2024ની ચૂંટણી પછી શાસક એનડીએને ભીડવવાના મનોરથો ધરાવતા વિપક્ષ ઇન્ડિયા બ્લોકની વરવી હાલત થઇ છે.
તાજેતરની ચૂંટણીઓમાં એક પછી એક પ્રાદેશિક પક્ષો પછડાટ અનુભવી રહ્યા છે તે તેમના માટે બોધપાઠ સમાન છે. બિહારમાં લાલુપ્રસાદનો પક્ષ આરજેડી, ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવનો સપા, મહારાષ્ટ્રમાં શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને દિલ્હીમાંથી આમ આદમી પાર્ટી જેવા પક્ષ સત્તાની બહાર થયા છે હવે તેમાં ટીએમસી અને ડીએમકેનો ઉમેરો થયો છે. તેના કારણે ઈન્ડિયા બ્લોકની અંદર પ્રાદેશિક પક્ષોનો અવાજ જે રાહુલની નેતાગીરી સામે ઉઠાવતો હતો તે સાવ બોદો થઈ જશે તેમ મનાય છે.
આમાં પણ મમતા બેનરજી પોતે જ ચૂંટણીમાં હારી જતાં તેમના પોતાના રાજકીય અસ્તિત્વ સામે સવાલ સર્જાયો છે. હવે તે ઇન્ડિયા બ્લોકમાં રાહુલ ગાંધીને કઈ રીતે પડકારી શકશે. એક પછી એક રાજ્યોમાં કોંગ્રેસના પરાજય પર હસતી ટીએમસીએ હવે પોતે પણ પરાજય સહન કરવાનો વારો આવ્યો છે. આ પરાજય પણ પાછો સજ્જડ પરાજય છે.
ટીએમસીના પરાજયની સાથે ઈન્ડિયા બ્લોકમાંથી કેન્દ્રીય સત્તા સામે સતત બોલતો એક અવાજ હવે ચોક્કસપણે મંદ પડી જવાનો છે. તેના પરિણામે ઈન્ડિયા બ્લોકની અંદર કોંગ્રેસ વધારે મજબૂત થઈ છે. રાહુલની નેતાગીરી સામે
અવાજ ઉઠાવનારા બધા જ પ્રાદેશિક પક્ષો હાલમાં બેહાલ થઈ ગયા છે.


