નવી દિલ્હીઃ વિશ્વના સૌથી વિશાળ લોકતંત્રમાં હાથ ધરાયેલી લોકસભા ચૂંટણી પ્રક્રિયાના ચોથા તબક્કામાં સોમવારે ૭૨ બેઠકો પર મતદાન થયું હતું. આ સાથે જ ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત નવ રાજ્યોમાં દિગ્ગજ નેતાઓનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયું હતું. ચોથા તબક્કામાં સરેરાશ ૬૪ ટકા મતદાન નોંધાયું છે.
ઉત્તર પ્રદેશના કન્નોજથી સપાના ડિંપલ અખિલેશ યાદવ, ઉન્નાવથી ભાજપના સાક્ષી મહારાજ, ફારુકાબાદથી કોંગ્રેસના સલમાન ખુર્શીદ, બિહારમાં ભાજપના ગિરિરાજ સિંહ, ડાબેરી યુવા નેતા કન્હૈયા કુમાર, ભાજપના પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાય, ઉપેન્દ્ર કુશવાહા વગેરે આ તબક્કામાં ચૂંટણી મેદાનમાં હતા. મધ્ય પ્રદેશમાં મુખ્ય પ્રધાન કમલ નાથના પુત્ર નકુલ નાથ છિંદવાડાથી ચૂંટણી લડી રહ્યા છે.
ચોથા તબક્કાના મતદાનમાં પણ અગાઉ જેમ કેટલાક રાજ્યોમાં હિંસાની ઘટના બની હતી. મુંબઇમાં મતદાન દરમિયાન અનેક બોલિવૂડ સેલિબ્રિટિઓએ મતદાન કરીને લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા.
પશ્ચિમ બંગાળમાં અનેક સ્થળે ચૂંટણી પ્રક્રિયા હિંસાથી ખરડાઇ હતી. કેન્દ્રીય પ્રધાન ગાયક બાબુલ સુપ્રીયોની કાર પર પથ્થરમારો થયો હતો. જ્યારે બિરભૂમ બેઠક પર વિરોધી પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. મધ્ય પ્રદેશમાં ત્રણ અલગ અલગ ઘટનામાં ત્રણ ચૂંટણી કર્મચારીના મૃત્યુ નીપજ્યા હતા. અહીંના લોધીખેડામાં ૫૦ વર્ષીય સુનંદા કોટેકરનુ હાર્ટ એટેકથી મોત થયું હતું, જ્યારે બાલાઘાટમાં એક કર્મચારીનું બ્રેઇન હેમરેજથી મોત નિપજ્યું હતું. એક એએસઆઇનું પોલિંગ બૂથ પર હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું.
કયા રાજ્યમાં કેટલું મતદાન?
બિહારઃ ૫૯.૦૨ ટકા
મધ્ય પ્રદેશઃ ૭૩.૮૩ ટકા
ઓડિશાઃ ૬૫.૬૦ ટકા
રાજસ્થાનઃ ૬૭.૯૯ ટકા
જમ્મુ-કાશ્મીરઃ ૯.૭૯ ટકા
પશ્ચિમ બંગાળઃ ૭૬.૭૨ ટકા
ઉત્તર પ્રદેશઃ ૫૮.૮૬ ટકા
ઝારખંડઃ ૬૪.૩૮ ટકા
મહારાષ્ટ્રઃ ૫૫.૮૬ ટકા