નવી દિલ્હીઃ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના રિપોર્ટ અનુસાર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૨૩ એપ્રિલના રોજ મતદાન થશે. જેમાં ૧૫ રાજ્યોની ૧૧૬ બેઠકો પર ૨૧ ટકા કલંકિત ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. આ ઉમેદવારોની સામે કોઈને કોઈ ગુનાહિત કેસ નોંધાયો છે. તો ૧૪ ટકા ઉમેદવારો ગંભીર ગુનાના આરોપી છે. ત્રીજા તબક્કામાં ૩૯૨ કરોડપતિ ઉમેદવારો મેદાનમાં છે. ૨૯ ઉમેદવારો સામે દુષ્કર્મ, યૌનશોષણ અને ક્રૂરતા સંબંધિત ગુના નોંધાયેલા છે. ૧૩ ઉમેદવારોની સામે મર્ડર કેસ ચાલે છે તો ૩૦ ઉમેદવારો પર હત્યાના પ્રયાસનો કેસ ચાલે છે.
૩૯૨ ઉમેદવારોની સંપત્તિ ૧ કરોડથી વધુ
એડીઆરના રિપોર્ટ અનુસાર કુલ ૧,૫૯૪ ઉમેદવારોના સોગંદનામાનું પૃથ્થકરણ કરાયું તો તેમાં ૩૯૨ એટલે કે ૨૫ ટકા ઉમેદવારોની સંપત્તિ રૂ. ૧ કરોડથી વધુ છે. કોંગ્રેસના ૯૦માંથી ૭૪, જ્યારે ભાજપના ૯૭માંથી ૮૧ ઉમેદવારોની સંપત્તિ ૧ કરોડ રૂપિયા કરતા વધારે છે. સપાના ૧૦માંથી ૯, બસપાના ૧૨ તથા શિવ સેનાના ૭ ઉમેદવારોની સંપત્તિ ૧ કરોડ રૂપિયાથી વધુ છે.
ત્રીજા તબક્કામાં ત્રણ સૌથી અમીર ઉમેદવાર
કુલ ૩૨૫ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બરેલીના કોંગ્રેસી ઉમેદવાર સૌથી વધુ અમીર ઉમેદવાર છે. ઉત્તર પ્રદેશની ઈટાહ બેઠક પર સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડતા દેવેન્દ્રસિંહ યાદવની કુલ સંપત્તિ રૂ. ૨૦૪ કરોડ છે. મહારાષ્ટ્રની સતારા બેઠક પરથી એનસીપીના ઉમેદવાર ભોંસલે શ્રીમંત છત્રપતિ પ્રતાપ ત્રીજા સૌથી મોટા ઉમેદવાર છે. તેમની સંપત્તિ ૧૯૯ કરોડ રૂપિયા છે.
અરુણાચલમાં ૧૩૧ કરોડપતિ ઉમેદવાર
અરુણાચલમાં ૨૯ ઉમેદવારોએ તેમની સામેના ગુનાહિત કેસોની વિગત જાહેર કરી છે. ૧૮૪ ઉમેદવારોનું પૃથ્થકરણ કરાયું છે તેમાંથી ૧૬ ટકાની સામે ગુનાહિત કેસો ચાલે છે. રાજ્યમાં અરુણાચલમાં સૌથી વધારે ૧૩૧ કરોડપતિ ઉમેદવારો ચૂંટણી લડે છે.