પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણી જંગની સાથે સાથે...
આપણો અસલ દુશ્મન ચીન, પાક. તો રાજકિય દુશ્મન છેઃ અખિલેશ
ભારતમાં ચીની મૂડીરોકાણ પરના એક સવાલ પર સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, ડો. રામમનોહર લોહિયા અને નેતાજી મુલાયમસિંહ યાદવ સ્પષ્ટ મંતવ્ય ધરાવતા હતા કે આપણો અસલ દુશ્મન દેશ ચીન છે. પાકિસ્તાન તો આપણો રાજકિય દુશ્મન છે. ભાજપ ફક્ત તેના મતબેંકના રાજકારણ માટે પાકિસ્તાનને નિશાન બનાવે છે. લોકસભામાં ફક્ત સમાજવાદી પાર્ટીના સાંસદોએ જ સવાલ ઉઠાવ્યો હતો કે આપણે પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરની ૨૪ વિધાનસભા બેઠકો પર ક્યારે ચૂંટણી કરાવીશું.
પાક. પ્રેમ દર્શાવતી ટિપ્પણી માટે અખિલેશ માફી માગેઃ ભાજપ
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે એક ઇન્ટર્વ્યુમાં કરેલી ટિપ્પણીઓ પર પ્રહાર કરતા ભાજપના પ્રવક્તા સમ્બિત પાત્રાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ દર્શાવતી ટિપ્પણી માટે અખિલેશ યાદવ દેશની માફી માગે. અખિલેશ યાદવ યુપી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ઝીણાને લઇ આવ્યા છે. પીએમ મોદી અને સીએમ યોગી વિકાસના મુદ્દાઓ પર પ્રચાર કરી રહ્યાં છે ત્યારે સમાજવાદી પાર્ટી પાકિસ્તાન અને ઝીણા પર આધાર રાખી રહ્યાં છે.
ભાજપ બસપા સરકારના વિકાસ કાર્યનો શ્રેય લઇ રહ્યાો છેઃ માયાવતી
બસપા સુપ્રીમો માયાવતીએ જણાવ્યું છે કે ભાજપ હું મુખ્યમંત્રી હતી ત્યારે મારી બસપા સરકારે શરૂ કરેલા વિકાસ કામોનો શ્રેય લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. રાજ્યમાં હાલ સૌથી મોટી સમસ્યા કાયદો અને વ્યવસ્થાની વણસેલી સ્થિતિ, બેરોજગારી અને મોટાપાયે થતી હિજરત છે. યોગી સરકારના શાસનકાળમાં રાજ્ય અધોગતિ તરફ ધકેલાઇ રહ્યું છે.
સિદ્ધુને મંત્રીમંડળમાં લેવા પાક. વડા પ્રધાને ભલામણ કરી હતીઃ અમરિન્દર
કોંગ્રેસ સાથે છેડો ફાડી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે પંજાબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નવજોત સિદ્ધુ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, મારી સરકારના મંત્રીમંડળમાં સિદ્ધુને સમાવવા તેમના પરમ મિત્ર એવા પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને મને ભલામણ કરી હતી. ઇમરાન ખાને મને જણાવ્યું હતું કે જો સિદ્ધુને મંત્રીમંડળમાં સમાવાશે તો હું તમારો ખૂબ આભારી રહીશ.
પંજાબમાં ભાજપ - અમરિન્દર અને અકાલી દળ વચ્ચે બેઠક વહેંચણી
પંજાબ વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં બેઠક વહેંચણી મુદ્દે સમજૂતિ સધાઇ ચૂકી છે. સમજૂતિ અંતર્ગત કુલ ૧૧૭ બેઠકમાંથી ભાજપ ૬૫, કેપ્ટન અમરિન્દરસિંહની પંજાબ લોક કોંગ્રેસ ૩૭ અને એસ એસ ઢિંડસાના અકાલીદળ સંયુક્તને ૧૫ બેઠક ફાળવાઇ છે.
આમ આ વખતે પંજાબની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનમાં મોટાભાઇની ભુમિકામાં આવી ગયો છે. આ પહેલાં શિરોમણિ અકાલી દળના નેજા હેઠળ ભાજપ પંજાબમાં ચૂંટણી લડતો હતો.


