ચૂંટણીનો ચકરાવો

મહાસંગ્રામ-2024

Sunday 14th April 2024 05:23 EDT
 
 

• કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સે હાથ મિલાવ્યાઃ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં બેઠકની વહેંચણી અંગે સંમતિ સાધી છે. બંને પક્ષ 3-3 બેઠક પર ચૂંટણી લડશે. કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદ અને પવન ખેડા તેમજ નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લાની સંયુક્ત પત્રકાર પરિષદમાં સીટ શેરિંગની જાહેરાત કરાઇ હતી. જેના ભાગરૂપે કોંગ્રેસ ઉધમપુર, જમ્મુ અને લદ્દાખ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે નેશનલ કોન્ફરન્સ અનંતનાગ, શ્રીનગર અને બારામુલાથી ઉમેદવાર ઉતારશે.
• રોબર્ટ વાડરાની અમેઠી બેઠક પર નજરઃ ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડરાએ પોતે અમેઠીમાંથી ચૂંટણી લડશે તેવા સંકેત આપ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે ‘હું અમેઠીમાંથી ચૂંટણી લડું તેવું લોકો ઇચ્છે છે. અમેઠીના લોકો વર્તમાન સાંસદથી ત્રસ્ત છે. તેમને લાગે છે કે સ્મૃતિ ઈરાનીને ચૂંટીને તેમણે ભૂલ કરી છે. તેઓ અમેઠીની પ્રગતિ અંગે વિચારતાં નથી. જો હું સાંસદ બનવાનો નિર્ણય કરીશ તો અમેઠીના લોકો મારી પાસેથી પ્રતિનિધિત્વની આશા રાખશે. વર્ષો સુધી ગાંધી પરિવારે રાયબરેલી, અમેઠી અને સુલ્તાનપુરમાં મહેનત કરી છે.’ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જોડાણ કરનાર કોંગ્રેસને અમેઠી અને રાયબરેલી સહિત 17 બેઠક મળી છે. અમેઠી અને રાયબરેલી બેઠક પર ઉમેદવાર નક્કી કર્યા નથી. આ બેઠકો ગાંધી પરિવારનો ગઢ છે. જોકે 2019માં રાહુલ અમેઠી બેઠક પરથી હાર્યા હતા.
• મહેબૂબા-ગુલામનબી વચ્ચે ટક્કરઃ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) એ કાશ્મીર ખીણમાં ત્રણ બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા છે. પક્ષના અધ્યક્ષ મહેબૂબા મુફ્તી અનંતનાગથી ચૂંટણી લડશે. પક્ષની યુવા શાખાના અધ્યક્ષ વહીદ પારા શ્રીનગરથી અને રાજ્યસભાના પૂર્વ સભ્ય મીર ફયાઝ બારામુલાથી ચૂંટણી લડશે. પીડીપી જમ્મુ ક્ષેત્રની ઉધમપુર અને જમ્મુ બેઠક પર કોંગ્રેસને ટેકો આપશે. મહેબૂબાના નિર્ણયથી હવે અનંતનાગથી ચૂંટણી લડી રહેલા પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ સાથે સીધી ટક્કર થશે.
• એકનાથ ખડસે ફરી ભાજપમાંઃ મહારાષ્ટ્રના રાજકારણમાં રસ્સાખેંચ ચાલી રહી છે. ભાજપ સાથે 40 વર્ષનો સંબંધ તોડીને એનસીપીમાં જોડાયેલા એકનાથ ખડસેએ જાહેરાત કરી છે કે તેઓ ફરી ભાજપમાં જોડાશે. એક સમયના મહારાષ્ટ્ર ભાજપના ટોચના નેતાઓમાંના એક એકનાથ ખડસેએ જણાવ્યું કે તેમણે કેન્દ્રીય નેતૃત્વનો સંપર્ક કર્યો છે અને પાર્ટીમાં પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ખડસેના ભાજપમાં જોડાવાથી ઉત્તર મહારાષ્ટ્રમાં ભાજપ વધારે મજબૂત થશે, જ્યારે શરદ પવાર માટે મોટો ઝટકો છે.
• પપ્પુ યાદવે આખરે ધાર્યું કર્યુંઃ કોંગ્રેસે ટિકિટ ન આપતાં પૂર્વ સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે બિહારની પૂર્ણિયા બેઠકથી અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે. બિહારમાં ઈન્ડી ગઠબંધનના સહયોગી કોંગ્રેસ-આરજેડી વચ્ચે સમજૂતી અનુસાર પૂર્ણિયા બેઠક આરજેડીને મળી છે. છતાં ઉમેદવારી નોંધાવનાર પપ્પુ યાદવે કહ્યું કે, મને કોંગ્રેસનું સમર્થન છે. 1990ના દાયકામાં પપ્પુ યાદવે પૂર્ણિયાથી ત્રણ વાર જીત મેળવી હતી. યાદવની ઉમેદવારીથી પૂર્ણિયામાં ત્રિપાંખિયો જંગ જામશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter