દુબઈ-થિરુવનંથપુરમઃ કેરળમાં એનડીએના સહયોગી પક્ષ ભારત ધર્મ જનસેનાના પ્રમુખ થુસાર વલ્લાપલ્લીની યુએઈમાં રૂ. ૧૯ કરોડના ચેક ડિફોલ્ટ કેસમાં ધરપકડ કરાઈ હતી. વલ્લાપલ્લીની ૨૨મીએ અજમાનમાં એક હોટેલમાંથી ધરપકડ કરાઈ હોવાનું ખલીજ ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું હતું. જોકે તેમને જામીન પર છોડી મૂકાયા હતા. અખબારે ભારત ધર્મ જન સેનાના સ્થાનિક સ્ત્રોતને ટાંકીને આ અહેવાલ આપ્યા હતા. થુસાર એ જ નેતા છે જેમને ભાજપ નેતૃત્વના એનડીએને વાયનાડમાં તાજેતરની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી સામે ઊભા રાખ્યા હતા. થુસારને ૧૦ લાખના દીરહામ પર જામીન અપાયા છે, પરંતુ સિવિલ કેસ પૂરો ન થાય ત્યાં સુધી યુએઈ નહીં છોડવા માટે આદેશ અપાયો હોવાનું ગલ્ફ ન્યૂઝના અહેવાલમાં જણાવાયું હતું. વલ્લાપલ્લીની માલિકીનો બોઈંગ કન્સ્ટ્રક્શન કંપની એલએલસી માટે કામ કરતા કેરળના ત્રિશુરના એક સબકોન્ટ્રાક્ટર નઝિલ અબ્દુલ્લા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કંપની હવે નાદાર થઈ ગઈ છે.

