ચેન્નાઈમાં જળપ્રલયથી તારાજી

Friday 04th December 2015 04:49 EST
 
 

ચેન્નઈઃ બંગાળાની ખાડીમાં સર્જાયેલા હવાના હળવા દબાણને પગલે તમિલનાડુ અને પોંડિચેરીની મેઘારાજાએ કહેર વર્તાવતાં રાજધાની ચેન્નાઈ અને પાડોશના કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં જળપ્રલય સર્જાયો હતો. ચેન્નાઈ શહેર અને પરા વિસ્તારોમાંથી લોકોને બચાવવા સેના અને નોકાદળ તૈનાત કરાયાં હતાં. ચેન્નાઈમાં છેલ્લા ૪૦ વર્ષનો રેકોર્ડ તોડતો વિક્રમજનક ૨૯ સેમી વરસાદ ૨૪ કલાકમાં વરસ્યો જેના પગલે અડધું ચેન્નાઈ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું. તામિલનાડુ સરકારે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી હતી. મોટાભાગની ફેકટરીઓ અને કચેરીઓ પણ બંધ રહ્યાં હતાં. કમરસમા પાણી ભરાઈ જતાં પરિવહનના તમામ વિકલ્પો બંધ થઈ ગયા હતા. સડક, રેલ અને હવાઈ સેવાઓ ઠપ્પ પડી હતી, લગભગ ૪૦૦૦ કરતાં વધુ પ્રવાસી એરપોર્ટમાં જ ફસાયાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દ્વારા તમિલનાડુની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો અને રાજ્ય સરકારે રાજ્યને પુનઃ ધમધમતું કરવા માટે રૂ. ૧૦૦૦ કરોડની સહાયની માગ મૂકી છે. 

ચેન્નાઈમાં ઉદ્યોગોને રૂ. ૧૫,૦૦૦ કરોડનું નુકસાન

ભારતના ડેટ્રોઇટ ગણાતા ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે ઓટો અને આઇટી કંપનીઓમાં કામકાજ ઠપ્પ થઈ ગયું હતું. બીએમડબલ્યુ, રેનો, ફોર્ડ જેવી ઓટો કંપનીઓના પ્લાન્ટમાં કામકાજ બંધ કરી દેવાની ફરજ પડી છે. ટ્રેડ એનાલિસ્ટોના જણાવ્યા અનુસાર રાજ્યના ઓટો અને આઇટી સેકટરને ૧૫,૦૦૦ કરોડનું નુકસાન થયું છે. ચેન્નાઈમાં પહેલીવાર ઓટો સેક્ટરને પોતાના પ્લાન્ટ બંધ રહ્યાં છે. સિમેન્ટ અને અન્ય ઉદ્યોગોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

૧૩૭ વર્ષમાં પહેલી વાર ધ હિન્દુ અખબાર પ્રસિદ્ધ ન થયું

તામિલનાડુમાં વરસાદે બુધવારે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અગ્રણી અંગ્રેજી અખબાર ધ હિન્દુ ૧૨૭ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર પ્રસિદ્ધ થયું નહોતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter