ચૈત્રી નવરાત્રિ પર્વે પ્રાચીન શારદા મંદિરના દ્વાર ખુલ્યા

Wednesday 22nd March 2023 12:09 EDT
 
 

શ્રીનગરઃ કાશ્મીરના કૂપવાડામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ટીટવાલ ખાતે ચૈત્રી નવરાત્રિ પર્વે પ્રાચીન શારદા માતાનું મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. 1947માં પાકિસ્તાની કબાઇલી હુમલામાં ક્ષતિગ્રસ્ત થયેલા આ મંદિરના ફરી નિર્માણમાં કાશ્મીરના તમામ સમુદાયોના લોકોએ સહકાર આપ્યો છે. મંદિરનો જિર્ણોદ્વાર ડિસેમ્બર 2021માં શરૂ થયો હતો, જે કામ હવે પૂર્ણ થયું છે. કર્ણાટકના શ્રૃંગેરી મઠે પ્રતિમા આપી છે. મંદિર પાસેના ગુરુદ્વારાનું કામ પણ પૂર્ણ થયું છે. વિભાજન વખતે આ ગુરુદ્વારાને ક્ષતિગ્રસ્ત થયું હતું. શોભાયાત્રા બાદ અહીં પ્રાણપ્રતિષ્ઠા કરાઇ હતી.
પીઓકેમાં શારદાપીઠ સુધી કોરિડોર બનાવવા માગ
સેવા શારદા કમિટી કાશ્મીર (SSCK)ના ચીફ રવીન્દ્ર પંડિતના જણાવ્યા મુજબ, અગાઉ શ્રીનગરથી શારદા દેવી મંદિર સુધી વાર્ષિક યાત્રા યોજાતી હતી. આ પ્રાચીન ધાર્મિક યાત્રા ફરી શરૂ થવી જોઇએ. કરતારપુર કોરિડોરની જેમ જ આ યાત્રા શરૂ કરી શકાય એમ છે. અત્યારે કાશ્મીરી પંડિતો તેમની આરાધ્ય દેવી શારદા માતાના દર્શન કરવા પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં જઇ શકતા નથી. શારદા દેવી મંદિર હાલમાં પીઓકેમાં નીલમ નદીના કિનારે શારદી ગામમાં છે. 5000 વર્ષ જુનું આ મંદિર નિયંત્રણ રેખાથી લગભગ 25 કિમી દૂર છે. મંદિરને 18 મહાશક્તિ પીઠોમાંથી એક માનવામાં આવે છે. આ મંદિર માર્તંડ સૂર્ય મંદિરની જેમ કાશ્મીરી પંડિતો માટે શ્રદ્વાનું કેન્દ્ર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter