મેંગુલુરુઃ મેંગલુરુ આવેલા અડુમરોલીમાં એક ઘરમાં તાજેતરમાં ચોરો ત્રાટક્યા હતા અને ઘરેણાં અને રોકડની ચોરી કરી ગયા હતા, પરંતુ આ ચોર એટલા ઈમાનદાર હતા કે તેમણે ઘરેણાં પાછા આપ્યા અને સાથે સલાહ પણ આપી કે આવી કિંમતી ચીજોને બેંકનાં લોકરમાં રાખો. શેખર કુંદર નામના માણસના ઘરમાં ધોળા દહાડે ચોરી થઈ હતી. એ સમયે કુંદર અને તેમના પત્ની કામથી બહાર ગયા હતા. ચોર પાછલા દરવાજેથી ઘરમાં ઘૂસ્યા હતા. પડોશીઓને કોઈ જાણ થઈ નહોતી, કેમકે એ સમયે વરસાદ પડી રહ્યો હતો.
જોકે ૧૬ સપ્ટેમ્બરે ચોરી થયા પછી બે દિવસ બાદ કોઈ બે અજાણ્યા બાઈકસવારો ઘરમાં એક પેકેટ ફેંકી ગયા હતા. તેમાં ચોરાયેલી તમામ વસ્તુઓ સામેલ હતી. તેની સાથે એક ચિઠ્ઠી પણ હતી કે આ વસ્તુઓ તેમણે ભૂલથી ચોરી છે અને આવી કિંમતી વસ્તુઓ બેંકના લોકરમાં રાખવી જોઈએ. આ બંને માણસો પેકેટ ઘરમાં ફેંકીને તરત ફરાર થઈ ગયા હતા. પોલીસને તેઓની થોડી માહિતી મળી છે. તેઓને ટૂંક સમયમાં ઝડપી લેવાશે એમ પોલીસે કહ્યું હતું.