નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી મુખ્ય પ્રધાન છગન ભુજબળ અને તેમના કુટુંબની રૂ. ૩૦૦ કરોડની બેનામી સંપત્તિ ટાંચમાં લઈ લીધી છે. ભુજબળ અને તેની કંપનીએ આશરે ૪૫થી વધુ બનાવટી કંપનીઓના નામે બેનામી મિલકત ભેગી કરી હતી. ભુજબળ હાલ જેલમાં છે. આવકવેરા વિભાગે ભુજબળ, તેના પુત્ર પંકજ, ભત્રીજા સમીરની સંપત્તિ ટાંચમાં લેવા માટે નોટિસ જારી કરાઈ છે. બેનામી સંપત્તિ (પ્રતિબંધ) એક્ટ, ૨૦૧૬ના નવા કાયદા અન્વયે આ નોટિસ ફટકારાઈ છે. જે સંપત્તિ ટાંચમાં લેવાઈ છે તેમાં નાસિકમાં આવેલી ગિરના સુગર મિલ્સ (રૂ. ૮૦.૯૭ કરોડ) અને મુંબઈના સાંતાક્રૂઝ વેસ્ટમાં આવેલું બહુમાળી સોલિટેર બિલ્ડિંગ (રૂ. ૧૧.૩૦ કરોડ)નો સમાવેશ થાય છે.