નવી દિલ્હી: છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૨મીએ ૭૦ ટકા મતદાન થયાનું ચૂંટણીપંચે જણાવ્યું હતું. પ્રથમ તબક્કામાં વિધાનસભાની ૯૦ બેઠક પૈકી ૧૮ બેઠક પર મતદાન થયું હતું. બીજા તબક્કાનું મતદાન ૨૦મી નવેમ્બરે થનાર છે અને મતગણતરી ૧૧મી ડિસેમ્બરે થશે. દરમિયાન બિજાપુર જિલ્લામાં થયેલા નક્સલો સાથેના એન્કાઉન્ટરમાં પાંચ જવાન ઘાયલ થયા હતા. જ્યારે સુકમા જિલ્લામાં એક નકસલી ઠાર થયો હતો. કડક સલામતી વ્યવસ્થા સાથે શાંતિ પૂર્ણ મતદાન થયું હતું. સુકમા જિલ્લાના પાલમ ગામમાં ૧૫ વર્ષે પ્રથમવાર ચૂંટણી યોજાઈ હતી અને ૪૪ મતદાતાએ મતદાન કર્યું હતું. નારાયણપુરમાં આત્મસમર્પણ કરેલા નક્સલ દંપતીએ પણ મતદાન કર્યું હતું. કેટલાક મતદાતાઓ ૧૦૦ વર્ષની વધુ વયના હતા. ૧૮ મતવિસ્તારમાં લગભગ ૧.૨૫ લાખ પોલીસ અને પેરામિલીટરી જવાનોની સલામતી વ્યવસ્થા હતી. નકસલ પ્રભાવિત બસ્તર, કાંકેર, સુકમા, બિજાપુર, દાંતેવાડા, નારાયણપુર, કોંડાગાંવ અને રાજનંદગાંવમાં નક્સલીઓએ ચૂંટણીનો બહિષ્કારનું એલાન આપ્યા છતાં લોકો મતદાન કરવા આવ્યા હતા.

