છૂટાછેડા પછી વિદેશીને ના મળે OCI: ભારત સરકાર

Saturday 24th April 2021 03:07 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારે દિલ્હી હાઇ કોર્ટને જણાવ્યું છે કે ભારતીય નાગરિક સાથે લગ્ન થયાં હોવાના આધારે ઓસીઆઇ કાર્ડધારકોના રૂપમાં નોંધાયેલા વિદેશી નાગરિકોને છૂટાછેડા લીધા બાદ તે દરજ્જાનો લાભ મળી શકે નહીં. બેલ્જિયમના બ્રસેલ્સમાં ભારતીય દૂતાવાસે લીધેલા નિર્ણયનો બચાવ કરતાં ગૃહ મંત્રાલયે આ દલીલ કરી છે. આ કેસની વિગત એવી છે કે બેલ્જિયમની એક મહિલાએ ભારતીય વ્યક્તિ સાથે કરેલા લગ્ન સમાપ્ત કરતા ભારતીય દૂતાવાસે
તેને ઓસીઆઇ કાર્ડ પરત કરવા સૂચના આપી હતી. મહિલાએ નાગરિકતા કાયદાની આ જોગવાઇને પડકારી હતી. આ જોગવાઇ મુજબ ભારતીય નાગરિકના કોઇ વિદેશી પાર્ટનર (પતિ કે પત્ની) સાથે છૂટાછેડા થાય તો તેનો વિદેશી પાર્ટનગર ઓસીઆઇનો દરજ્જો ગુમાવી દે છે.
કાયદાની જોગવાઇનો બચાવ કરતાં ગૃહ મંત્રાલયે એક સોગંદનામામાં જણાવ્યું છે કે જે કલમને પડકારવામાં આવી છે તે સ્પષ્ટ વર્ગીકરણ આપે છે. કાયદામાં છૂટાછેડાના સંજોગોમાં વિદેશી નાગરિકના ઓસીઆઇ કાર્ડધારક તરીકેના દરજ્જાને રદ કરવાની જોગવાઇ છે કેમ કે તેવા વિદેશી નાગરિક નાગરિતા કાયદો, ૧૯૫૫ હેઠળ છૂટાછેડા પછી તે દરજ્જાને પાત્ર નથી રહેતા. આ કિસ્સામાં બેલ્જિયમની મહિલાએ ભારતીય નાગરિક સાથે લગ્ન કરતાં બ્રસેલ્સ સ્થિત ભારતીય દૂતાવાસે તે મહિલાને ૨૧ ઓગસ્ટ ૨૦૦૬માં કાર્ડ ઇસ્યૂ કર્યું હતું. આ મહિલા ઓક્ટોબર ૨૦૧૧માં પોતાના ભારતીય મૂળના પતિને છૂટાછેડા આપી ચૂકી છે. તે પછી મહિલાએ લગ્નને આધારે મળેલું પીઆઇઓ કાર્ડ રદ કરાવી દેવાની જરૂર હતી, પરંતુ મહિલાએ તેમ નહોતું કર્યું. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલાં જ ઓસીઆઈ કાર્ડ અંગે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter