નવી દિલ્હીઃ વિદેશપ્રધાન એસ. જયશંકરે શનિવારે કહ્યું હતું કે ભારત-રશિયા સંબંધો છેલ્લાં 70 થી 80 વર્ષો દરમ્યાન સૌથી વધુ સ્થિર રહ્યા છે અને પ્રમુખ પુતિનની ભારત મુલાકાતે બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો વધુ મજબૂત બનાવવા પર સૌથી વધુ ભાર મૂક્યો છે.
હિંદુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટમાં યોજાયેલા પારસ્પારિક વિચાર-વિમર્શ સેશનમાં ભાગ લેતાં વિદેશમંત્રીએ એવી અટકળો ફગાવી દીધી હતી કે પ્રમુખ પુતિનની નવી દિલ્હીની મુલાકાત ભારત-અમેરિકા વચ્ચે હાલ ચાલી રહેલી દ્વિપક્ષીય વેપાર મંત્રણામાં મુશ્કેલી ઉભી કરી શકે છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે હું આ બાબતે સહેજપણ સંમત નથી. આપણી પાસે વિકલ્પો પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. વિશ્વ સારી રીતે જાણે છે ભારત તમામ દેશો સાથે સંબંધ ધરાવે છે.
પ્રમુખ પુતિન સાથેની વાટાઘાટોમાં અમે ફકત વ્યૂહાત્મક સ્વાયત્તાની ચર્ચા કરી હતી અને આગામી વર્ષોમાં પણ તે ચાલુ રહેશે, તેથી શા માટે લોકોએ તદ્દન વિરોધાભાસી અટકળો મૂકવી જોઈએ? એમ વિદેશમંત્રીએ રશિયા સાથેના સંબંધો બાબતે ભારતનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું.


