મથુરાઃ ઉત્તર પ્રદેશના મથુરામાં મંડોરા ગામની પંચાયતે ગૌહત્યાના વિરુદ્ધમાં અને યુવતીઓના મોબાઈલ ફોનના ઉપયોગ પર સખત ફરમાન સંભળાવ્યું છે. પંચાયત તરફથી ગૌહત્યામાં સામેલ લોકો પર ભારે દંડનો આદેશ કરાયો છે. આ સાથે જ યુવતીઓના રસ્તા પર મોબાઈલના ઉપયોગ પર દંડ લગાવવાનું શરૂ કરાયું છે. આ નિર્ણય ગામના પ્રધાન મોહંમદ ગફ્ફાર દ્વારા લેવાયો છે. તેમણે આ નિર્ણય યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા ગૌહત્યા પર શરૂ કરાયેલા અભિયાનના સમર્થનમાં લીધો છે. યોગી મુખ્ય પ્રધાન બન્યા બાદ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગેરકાયદેસર કતલખાના બંધ કરવા અને ગૌહત્યા-ગૌતસ્કરી પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. યોગી સરકારના નિર્ણય બાદ રાજ્યમાં મોટા પાયે ગેરકાયદેસર કતલખાનાના વિરુદ્ધમાં કાર્યવાહી કરાઈ અને તેમને બંધ કરાવાયા.
પંચાયત દ્વારા લેવાયેલા નિર્ણય બાદ જો કોઈ શખ્સ ગૌહત્યા અથવા ગાયની ચોરી જેવી ઘટનાઓમા પકડાય છે તો તેના પર રૂ. ૨ લાખનો દંડ લાગશે. એટલું જ નહીં, દારૂને લઈને પણ દંડ લગાવાયો છે. જો કોઈ માણસ દારૂ વેચતા પકડાયો તો તેને ૧.૧૧ લાખ રૂપિયાનો દંડ થશે. મહિલાના વિરોધમાં થતા અપરોધોને ધ્યાનમાં રાખીને યુવતીઓને સડક પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર દંડ લગાવવામાં આવશે. આદેશ મુજબ જો કોઈ યુવતી રસ્તા પર ચાલતી વખતે ફોનનો ઉપયોગ કરે છે તો તેને રૂ. ૨૧,૦૦૦નો દંડ થશે.
પંચાયતે આ સાથે જ જુગાર રમવા પર પણ ફરમાન જાહેર કર્યું છે. જુગાર રમવા પર એક લાખ દંડ આપવામાં આવશે. જો કોઈ દુકાન પર રમવાના પત્તા મળ્યા તો તેના પર રૂ. ૫૧૦૦ દંડ લાગશે. અપરાધો પર લગામ લગાવવા માટે પંચોએ પંચાયત બોલાવી હતી. પંચાયતે પોલીસની સાથે મળીને અપરાધીઓને પકડવા સંમતિ વ્યક્ત કરી હતી.