જમ્મુ-કાશ્મીર માટે અલગ વડા પ્રધાન – રાષ્ટ્રપતિની ઓમરની વિનંતી

Wednesday 03rd April 2019 10:36 EDT
 

શ્રીનગર, હૈદરાબાદ: જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ સોમવારે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં વઝીર-એ-આઝમ (વડા પ્રધાન) અને સદર – એ – રિયાસત (રાષ્ટ્રપતિ)ના પદ ફરી બહાલ કરાશે. રાજ્ય માટે અલગ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિની માગણી મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમર પર નિશાન સાધતા હૈદરાબાદમાં કહ્યું કે, નવાઈ છે કે ઓમર અબ્દુલ્લા કહે છે કે જમ્મુ-કાશ્મીર માટે અલગ વડા પ્રધાન હોવા જોઈએ. શું હિન્દુસ્તાનમાં બે વડા પ્રધાન હશે? તેમણે નેશનલ કોન્ફરન્સની ગઠબંધન સહયોગી કોંગ્રેસ સિવાય તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનરજી અને ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ સહિત અનેક વિપક્ષી નેતાઓને આ મુદ્દે તેમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૫-એ હટાવવાની ચર્ચા વચ્ચે ઓમરે બાંદીપોરામાં એક સભામાં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અન્ય રાજ્યો જેવું નથી. અન્ય રાજ્યો કોઈ પણ શરત વિના હિન્દુસ્તાનમાં જોડાયા હતા, પરંતુ અમે શરતો સાથે જોડાયા છીએ.
કલમ ૩૭૦ની નાબૂદી ને કાશ્મીર સાથેનો સંબંધ પૂરો
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી ચીફ મહેબૂબા મુફતીએ ૩૦મીએ કહ્યું કે, જો કલમ ૩૭૦ રદ થશે તો જમ્મુ-કાશ્મીર સાથે ભારતનો સંબંધ પણ પૂરો થઈ થશે. કલમ ૩૭૦ હેઠળ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો છે. જો કલમ ૩૭૦ રદ થશે તો મુસ્લિમ બહુલ રાજ્ય જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ બની રહેવાનું પસંદ નહીં કરે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter