નવી દિલ્હીઃ ભારત સરકારમાં ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળ્યા પછી ભાજપ નેતા અમિત શાહ ફુલ એક્શનમાં છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા વિસ્તારોનું નવેસરથી સીમાંકન કરવા તેમજ રાજ્યમાં સુરક્ષા મુદ્દે કેવી તૈયારી કરાઈ રહી છે તેની સમીક્ષા કરવા શાહે મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ ગૃહ સચિવ રાજીવ ગૌબા અને એડિશનલ સચિવ જ્ઞાનેશ કુમાર સહિત અન્ય અધિકારીઓ સાથે ધડાધડ બેઠકો યોજી હતી. નવેસરથી સીમાંકન કરવા માટે પંચની રચના કરવા બેઠકમાં વિચારાયું હતું.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ૧૯૯૫ પછી સીમાંકન કરવામાં આવ્યું જ નથી. આ ઉપરાંત આતંકવાદ સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ ચાલુ રાખવા ચર્ચા કરાઈ હતી.
હાલ કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવા માટે મોટા પાયે ઓપરેશન ઓલઆઉટ ચાલી રહ્યું છે. બેઠકમાં કાશ્મીર ખીણમાં મોસ્ટ વોન્ટેડ એવા ટોચના ૧૦ આતંકવાદીઓની યાદી તૈયાર કરાઈ છે. હવે સુરક્ષા એજન્સીઓનું મુખ્ય ટાર્ગેટ આ ૧૦ આતંકવાદી રહેશે. આ યાદીમાં રિયાઝ નાયકુ, ઓસામા અને અશરફ મૌલવી જેવા આતંકવાદીઓનો સમાવેશ કરાયો છે. આ પહેલાં શાહ કાશ્મીરનાં ગવર્નર સત્યપાલ મલિક તેમજ અજિત ડોભાલને મળ્યા હતા અને રાજ્યમાં સુરક્ષા મુદ્દે ચર્ચા કરી હતી.
રાજ્યમાં છેલ્લું સીમાંકન ૧૯૯૫માં થયું હતું
છેલ્લે રાજ્યમાં ૧૯૯૫માં તત્કાલીન ગવર્નર જગમોહનનાં આદેશને પગલે વિધાનસભા વિસ્તારોનું સીમાંકન કરાયું હતું અને ૮૭ સીટોની રચના કરાઈ હતી.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કુલ ૧૧૧ સીટ છે પણ ૨૪ ખાલી રખાઈ છે. કાશ્મીરનાં બંધારણ મુજબ આ ૨૪ સીટો પાક. કબજા હેઠળનાં કાશ્મીર માટે ખાલી રાખવામાં આવી છે. જ્યારે ફક્ત ૮૭ સીટો પર જ ચૂંટણી યોજાય છે.
રાજ્યનાં બંધારણ મુજબ દર ૧૦ વર્ષે નવેસરથી સીમાંકન કરવાની વાત છે ૨૦૦૫માં નવું સીમાંકન કરવાનું હતું પણ ફારુક અબ્દુલ્લા સરકારે ૨૦૦૨માં ઠરાવ પસાર કરીને ૨૦૨૬ સુધી રાજ્યમાં નવું સીમાંકન કરવા પ્રતિબંધ લાદયો હતો. આ માટે જમ્મુ કાશ્મીર જન પ્રતિનિધિ કાયદો ૧૯૫૭ અને જમ્મુ-કાશ્મીરના બંધારણમાં ફેરફાર કરાયા હતા.
ગૃહપ્રધાન અમિત શાહે સુરક્ષા દળોના ડીજી સાથે બેઠક યોજી હતી અને અમરનાથ યાત્રાની સુરક્ષા, આતંકીઓ સામે ઓપરેશન, ઈદ પર્વ પર સુરક્ષાની માહિતી તેમણે મેળવી હતી. કાશ્મીરમાં સક્રિય ૨૮૭ આતંકીઓ સામે મોટું ઓપરેશન હાથ ધરવા ચર્ચા કરાઈ હતી.
વિધાનસભા વિસ્તારની રચના કેવી છે?
૨૦૧૧ની વસતી ગણતરી મુજબ જમ્મુ વિસ્તારની વસતી ૫૩,૭૮,૫૩૮ છે જ્યાં રાજ્યની ૪૨.૮૯ ટકા વસતી વસે છે. અહીં વિધાનસભાની ૩૭ સીટ છે.
બીજી તરફ કાશ્મીર ખીણની વસ્તી ૬૮,૮૮,૪૭૫ છે જ્યાં રાજ્યની ૫૪.૯૩ ટકા વસતી છે. અહીં વિધાનસભાની ૪૬ બેઠક છે. લદ્દાખની ૪ બેઠક છે.
એસસી–એસટી અનામત બેઠકો માટે સીમાંકન જરૂરી
કેન્દ્ર સરકાર રાજ્ય વિધાનસભામાં એસસી – એસટી માટે સીટો અનામત રાખવા નવેસરથી સીમાંકન કરવા વિચારે છે. અહીં ૧૧ ટકા બકરવાલ અને ગદ્દી જાતિનાં લોકો વસે છે તેમને માટે કોઈ સીટ અનામત નથી.
રાજ્યમાં તમામ જાતિઓને પ્રતિનિધિત્વ મળે તે માટે નવું સીમાંકન કરાશે. જમ્મુમાં ૭ એસસી સીટોનું પણ રોટેશન કરાયું નથી. નવા સીમાંકન પછી રાજ્યમાં સામાજિક સમીકરણો બદલાશે તે નક્કી છે.
પંચનાં રિપોર્ટ પછી આ દિશામાં પગલાં લેવાશે. કાશ્મીરના ખીણ પ્રદેશમાં અનુસૂચિત જાતિ અને જનજાતિનું અસ્તિત્ત્વ નથી પણ ૧૯૯૧માં ગુર્જર, બકેરવાલ સમાજને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જોકે તેમનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ નથી. આથી નવા પંચના રિપોર્ટ બાદ કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ માટે આરક્ષિત કરવામાં આવી શકે છે.