જમ્મુના કઠુઆમાં આઠ વર્ષની બાળા પર ગેંગરેપ-હત્યા અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં યુવતી પર બળાત્કારથી દેશમાં રોષ

Wednesday 18th April 2018 07:25 EDT
 
 

કઠુઆ/ઉન્નાવઃ જમ્મુ અને કશ્મીર રાજ્યના કઠુઆ જિલ્લામાં લઘુમતી કોમની એક ભટકતી જાતિની આઠ વર્ષની છોકરી આસિફાનું અપહરણ કર્યા પછી તેને નશીલી દવાઓ ખવડાવીને બેભાન હાલતમાં તેના પર બળાત્કાર ગુજારીને તેની હત્યા બાદ તેની લાશને છુંદીને ફેંકી દેવાઈ હતી અને ગત વર્ષે જૂનમાં ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ૧૭ વર્ષીય કિશોરી પર ધારાસભ્ય અને તેના સાથીઓએ ગેંગરેપ કરીને પોતાનું દુષ્કર્મ છુપાવવા પીડિતા તેમજ પરિવારને ધમકાવવાના કિસ્સા બહાર આવતાં દેશમાં આ ઘૃણાસ્પદ કૃત્યો સામે રોષ ઊઠ્યો છે. કઠુઆમાં ગેંગરેપ બાદ હત્યા કરાયેલી આઠ વર્ષની આસિફાના પિતા યુસુફ અને માતા નસીમબીનો આરોપ છે કે છઠ્ઠી એપ્રિલે આસિફા ગુમ થઈ પછી તેને શોધવા માટે પ્રયત્નો શરૂ કર્યાં હતાં અને પોલીસની મદદ માગી હતી. આસિફાના પિતાએ કહ્યું કે પોલીસે દીકરીની શોધ સાંજીરામના ઘર અને રસાના ગામના મંદિરમાં કરી જ નહોતી જ્યાં દીકરી પર અત્યાચાર થતો રહ્યો હતો.

પોલીસે હાંકી કાઢ્યા

આરિફાના કાકા અલી જાનનો આરોપ છે કે પોલીસ અધિકારી તિલકરાજને જ્યારે ફરિયાદ કરી કે આસિફા મળતી નથી ત્યારે તેણે ઉડાઉ જવાબ આપ્યો હતો કે તે તેના મિત્રો સાથે જતી રહી હશે. આ ઉપરાંત તિલકરાજે બૂમો પાડીને ફરિયાદ કરવા ગયેલા લોકોને પણ ભગાડી દીધા હતા. અઠવાડિયા પછી આસિફાનો મૃતદેહ મળી આવ્યો હતો. 

મૃતદેહનું પોસ્ટમોર્ટમ
આસિફાના પોસ્ટમોર્ટમમાં એવું જાણવા મળ્યું કે છોકરીને એક મંદિરની અંદર ગોંધી રખાઈ હતી અને એની પર વારંવાર બળાત્કાર કરાયા પછી તેની હત્યા કરાઈ હતી. બાળકીને મારતાં પહેલાં પણ તેની પર ગેંગરેપ થયો હતો. 
કેસ બીજા રાજ્યમાં ચલાવો
મૃતદેહ મળ્યા પછી તેના પિતાએ આ કેસને જમ્મુ અને કશ્મીર રાજ્યમાંથી અન્યત્ર ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. એમણે એવી શંકા વ્યક્ત કરી છે કે રાજ્યમાં આ કેસની કાર્યવાહી ચાલશે તો એમાં દખલગીરી થશે અને ખટલો ઉચિત રીતે ચાલશે નહીં. છોકરીનાં પિતાએ આ કેસ ચંડીગઢમાં ટ્રાન્સફર કરવા માગ કરી હતી. બાળકીના પિતાએ સુપ્રીમ કોર્ટને એવી પણ અપીલ કરી હતી કે નેતાઓ કેસના સગીર વયના આરોપીને મળે નહીં અને કેસની કાર્યવાહીની વિગત સુપ્રીમને પણ સમયે સમયે જણાવવામાં આવે.
આ કેસના સગીર આરોપીના વકીલે જજને કહ્યું હતું કે એમને ચાર્જશીટની કોપીઓ આપવામાં આવી નથી. કોર્ટે ત્યારબાદ રાબેતા મુજબની પ્રક્રિયા પૂરી કરવા માટે સુનાવણી મુલતવી રાખી હતી. આ કેસની સુનાવણી માટે કોર્ટે ૨૮મી એપ્રિલની નવી તારીખ નક્કી કરી હતી.
બાળકીના વકીલને ધમકી
બાળકી તરફથી કેસ લડતાં વકીલ દીપિકાસિંહ રાજાવતે એવો દાવો કર્યો છે કે એમને પોતાને પણ ધમકીઓ મળી રહી છે અને એમની ઉપર પણ બળાત્કાર થવાનું અને એમની હત્યા કરવામાં આવે એવું જોખમ છે. તેથી એમણે સુપ્રીમ કોર્ટને આ મામલે વાકેફ રાખવાનું નક્કી કર્યું છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કશ્મીરની પોલીસને આદેશ આપ્યો છે કે રાજાવત તથા છોકરીનાં પરિવારને પર્યાપ્ત રક્ષણ પૂરું પાડવામાં આવે. 
ગામમાં દફનવિધિ નહીં
એક તરફ દેશમાં આસિફા માટે કેન્ડલ માર્ચ થઈ રહી છે ત્યારે બાળાને પોતાના રસાના ગામનાં જ લોકોએ દફનવિધિ માટે પાંચ ફૂટ જમીન ન આપી. ગામના વિરોધને કારણે પીડિત બાળકીની દફનવિધિ ગામથી આઠ કિલોમીટર દૂર એક ખેતરમાં કરવાની ફરજ પડી હતી. ગામનાં લોકોએ બાળકીના મૃતદેહને ગામમાં દફનાવવાનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, આ જમીન બકરવાલ જાતિના મુસ્લિમ પરિવારની માલિકીની નથી. બીજી તરફ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં પોતાની ૧૭ વર્ષની યુવતી પર ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સહિત કેટલાકે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ કિશોરીની માતાએ કર્યા બાદ ધારાસભ્ય દ્વારા કિશોરી અને તેના કુટુંબને કથિત ધમકીઓ તથા મારપીટનો કિસ્સો સામે આવ્યો છે. 
માતાએ ફરિયાદ નોંધાવી 
કિશોરી પર ચોથી જૂનના રોજ બળાત્કાર કરાયો હોવાની ફરિયાદ તેની માતાએ નોંધાવી હતી. એ પછી ૩જી એપ્રિલે ધારાસભ્યના ભાઈ અતુલે કેસ પાછો ખેંચવા માટે પરિવાર પર દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. 
આઠમી એપ્રિલે પીડિતાને ન્યાય માટે મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીના નિવાસસ્થાનની બહાર આત્મદહનનો પ્રયાસ પણ કરાયો હતો, પરંતુ પોલીસ દ્વારા આત્મદહન કરનારાઓને રોકી દેવાયા હતા. નવમી એપ્રિલે પીડિતાના પિતાનું ઉન્નાવ જેલમાં મોત નિપજ્યું હતું. આ કેસમાં માખી પોલીસ સ્ટેશનના અધિકારી સહિત છ કોન્સ્ટેબલને પહેલાં જ સસ્પેન્ડ કરાયા છે.
ધારાસભ્યનો મેડિકલ ટેસ્ટ
૧૪મી એપ્રિલે આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મેડિકલ કરાવીને કુલદીપ સેંગરને સીબીઆઈ પાછી મુખ્ય કાર્યાલય લઈ આવી હતી. દરમિયાન પીડિતા પણ ૧૪મી એપ્રિલે પરિવાર સાથે મેડિકલ ચેકઅપ માટે લખનઉ પહોંચી હતી. 
પીડિતાના કાકાએ કહ્યું કે, તેઓ આરોપી ધારાસભ્યની ધરપકડથી ખુશ છે. પીડિતાના કાકાએ આરોપ લગાવ્યો કે, સમગ્ર ઉન્નાવ પ્રશાસન આરોપી ધારાસભ્યને બચાવવાની મહેનત કરી રહ્યા છે. તેમણે પીડિત પરિવારની મદદ ન કરવા માટે પોલીસ અને ડોક્ટર્સ સામે પણ કાર્યવાહી કરવાની માગ કરી છે.
આરોપીને નહીં છોડાયઃ યોગી
ઉન્નાવની ઘટના અંગે યોગી આદિત્યનાથે કહ્યું છે કે, આ મામલે સરકારની ઝીરો ટોલરન્સની નીતિ છે. અમે તાત્કાલિક એક ટીમની રચના કરીને કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે સીબીઆઈ તપાસની પણ ભલામણ કરાઈ છે. ગુના અને ભ્રષ્ટાચારમાં સામેલ કોઈ પણ શખ્સને છોડવામાં નહીં આવે.
કાશ્મીરમાં ભાજપીનાં રાજીનામા
કઠુઆ ઘટનાના પગલે જમ્મૂ-કાશ્મીરની ગઠબંધન સરકારમાં સામેલ ભાજપના તમામ પ્રધાનોએ રાજીનામું આપવાની ચર્ચા ચાલે છે. જોકે આ મામલે કેન્દ્રી સ્તર પર કંઇ પણ કહેવામાં આવ્યું નથી. તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા તેના પરિવારે ઘટના સામે રોષ દર્શાવ્યો છે.
દેશમાં દેખાવો
દેશમાં બનેલી બંને ઘટનાઓ સામે રોષ વ્યક્ત કરાતા દિલ્હી, મુંબઈ, કોચી, જમ્મુ કશ્મીર સહિત દેશભરમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. ઠેર ઠેર કેન્ડલ માર્ચ થઈ રહી છે. બોલિવૂડના કલાકારો દ્વારા સોશિયલ મીડિયા પર ‘હમ શર્મિંદા હૈ’ જેવા પોસ્ટર સાથે ફોટા પોસ્ટ કરી રહ્યા છે. સમગ્ર દેશમાં આવું કૃત્ય આચરનારાઓને ફાંસી આપવામાં આવે તેવી માગ ઊઠી છે. જોકે રવિવારની રાત્રે મુંબઈના કાટર રોડ પર હજારો લોકો જ્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે સરેઆમ એક નશામાં ધૂત માણસે એક મહિલા સાથે છેડતી કરતા તે માણસને પોલીસ હવાલે કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter