જમ્મુઃ શહેરના જાનીપુર વિસ્તારમાં કેટલાક તોફાની તત્ત્વો દ્વારા ધાર્મિક સ્થળમાં તોડફોડ કરવામાં આવતાં સમગ્ર વિસ્તારનું વાતાવરણ ડહોળાઈ ગયું છે. શિવ મંદિરને નુકસાન પહોંચાડાયું હોવાની ઘટનાની જાણ થતાં જ મંગળવારે મોડી રાત્રે સ્થાનિક નાગરિકોએ હિંસક પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ ઘણા વાહનોને આગ ચાંપી દીધી હતી અને પોલીસ સ્ટેશન ઉપર ભારે પથ્થરમારો પણ કર્યો હતો. પોલીસે તોફાનીઓને કંટ્રોલમાં કરવા માટે ટીયરગેસ છોડ્યા હતા. જોકે આમ છતાં સ્થિતિ વધારે ખરાબ થતાં રાત્રે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. તેમજ મોબાઈલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવા ફરજ પડી હતી. પોલીસે હિંદુ સંગઠન સાથે જોડાયેલા યુવકોને પથ્થરમારો કરવા અને આગ ચાંપવાના આરોપ હેઠળ ધરપકડ કરી છે. નોંધનીય છે કે શિવમંદિરમાં પહેલાં બે છોકરાઓએ કાચ તોડ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બે તોફાની તત્ત્વો દ્વારા પહેલાં શિવ મંદિરના કાચ તોડવામાં આવ્યા અને બાદમાં તેમણે મૂર્તિઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરી આવ્યાં અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યાં. પોલીસે લોકોને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. આ કારણે લોકો વધારે રોષે ભરાયાં હતાં અને ચોકી પર પથ્થરમારો શરૂ કર્યો હતો. ત્યારબાદ હિંસા વધારે વધતાં લોકોએ વાહનો સળગાવી દીધા હતા. થોડા સમય બાદ ઉપરી અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમણે લોકોને શાંત કરવા પ્રયાસ કર્યા હતા.
જમ્મુના ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સિમરનદીપે જણાવ્યું કે, લોકોના રોષ વધારે હતો તેઓ વધુ હિંસક થાય તે પહેલાં જ આકરાં પગલાં લેવામાં આવ્યા હતાં. લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો ત્યારે પોલીસે વધારે આકરાં થવું પડ્યું હતું. પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટિયરગેસના કેટલાકં રાઉન્ડ છોડવામાં આવ્યા હતાં. હાલ સ્થિતિ કાબુમાં છે. આ વિસ્તારમાં મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. મંદિરમાં તોડફોડ કરનાર એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે.