જયપુરમાં રાજપૂત કરણી સેનાના પ્રમુખની ગોળી મારીને હત્યા

રાજસ્થાનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનોઃ તણાવભર્યો માહોલ

Tuesday 05th December 2023 15:35 EST
 
 

જયપુરઃ રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની મંગળવારે જયપુરમાં ગોળીઓ મારીને હત્યા કરી નંખાતા સનસનાટી મચી ગઇ છે. શ્યામનગર સ્થિત તેમના ઘરે મળવાના બહાને આવેલા ત્રણ હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને તેમને ઠાર માર્યા હતા. આ ઘટનાક્રમમાં એક હુમલાખોરનું મૃત્યુ પણ થયું છે. ગોગામેડીને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલની બહાર રાજપૂત કરણી સેનાના સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં ટોળે વળ્યા હતા અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે. આ ઘટનાનાં ત્રણ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે જેમાં બે હુમલાખોરો હોલમાં બેઠેલા સુખદેવસિંહ પર ગોળીઓ વરસાવતા જોવા મળે છે.
જયપુર, ઉદયપુર, પ્રતાપગઢ, બિકાનેર, બાડમેર, જોધપુર, અને જેસલમેરમાં ઘણી જગ્યાએ રાજપૂત સમાજના લોકોએ પ્રદર્શનો કર્યા છે. મંગળવારે મોડી રાત્રે આ લખાઇ રહ્યું છે ત્યારે હાઈવે અને રસ્તા રોકવાના પણ સમાચાર મળી રહ્યા છે.
જયપુર પોલીસ કમિશનર બીજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું હતું કે, ‘ત્રણ લોકો ગોગોમેડીને મળવા આવ્યા હતા. મંજૂરી બાદ તેઓ અંદર આવ્યા હતા અને દસેક મિનિટ સુધી તેમની સાથે વાતચીત કર્યા બાદ એ લોકોએ ગોગામેડી ઉપર ફાયરિંગ કર્યું હતું. તેમના સુરક્ષા ગાર્ડને પણ ગોળી વાગી છે. આ ગોળીબારમાં એક હુમલાખોરનું મૃત્યુ પણ થયું છે.’
તેમણે જણાવ્યું હતું કે મૃતક હુમલાખોર નવીનસિંહ શેખાવત શાહપુરાનો વતની હતો અને તે જયપુરમાં રહીને કપડાંની દુકાન ચલાવતો હતો.
હત્યામાં ગોદારા ગેન્ગનો હાથ
ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું હતું કે રોહિત ગોદારા ગેન્ગે હત્યાની જવાબદારી લીધી છે. અમે શક્ય તેટલી વહેલી તકે ધરપકડ માટે પ્રયત્નશીલ છીએ. એક લાખનું ઇનામ ધરાવતો રોહિત ગોદારા ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ સાથે સંબંધ ધરાવે છે. મૂળ બિકાનેરના લુણકરણસરના કપૂરિયાસરના રહેવાસી રોહિત ગોદારા પર પણ ગયા વર્ષે દેશ છોડીને ભાગી જવાનો આરોપ છે.

રાજપુત સમુદાયના આક્રમક નેતા

પંજાબને અડીને આવેલા હનુમાનગઢ જિલ્લાના વતની સુખદેવસિંહ રાજપૂત સમુદાયના આક્રમક નેતા તરીકે જાણીતા હતા. 2017માં ફિલ્મ પદ્માવતના વિરોધ દરમિયાન તેઓ દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા. જયપુરમાં ફિલ્મ પદ્માવતના શૂટિંગ દરમિયાન રાજપૂત કરણી સેનાએ ફિલ્મના સેટ પર પણ તોડફોડ કરી હતી અને વિરોધ કર્યો હતો. આ દરમિયાન ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલીને થપ્પડ મારવાની ઘટના બાદ તે દેશભરમાં ચર્ચામાં રહ્યા હતા. તેઓ ઘણાં વર્ષોથી કરણી સેના સંગઠન સાથે જોડાયેલા હતા. પરંતુ લોકેન્દ્ર સિંહ કાલવી સાથેના વિવાદને કારણે તેમણે રાજપૂત કરણી સેના નામનું સંગઠન બનાવ્યું હતું. લોકેન્દ્ર સિંહ કાલવીના નિધન પછી સુખદેવસિંહ ગોગામેડી રાજપૂત સમાજના મોટા નેતા તરીકે ઊભરી આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter