નવી દિલ્હીઃ વૈશ્વિક ટેક્નોલોજી સેક્ટરમાં જ્યારે પણ ભારતવંશી સૌથી ધનિક CEOનો ઉલ્લેખ થતો ત્યારે ટોચના ક્રમે માઇક્રોસોફ્ટના સત્યા નદેલા અને ગૂગલના સુંદર પિચાઈના નામ આવતા હતા. જોકે હવે આ યાદીમાં ધરમૂળથી ફેરફાર થયો છે. હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025એ જાહેર કરેલી યાદીમાં એક નવું અને ઐતિહાસિક નામ જોડાયું છે. આ વ્યક્તિ છે અરિસ્ટા નેટવર્ક્સના ચેરમેન અને સીઇઓ જયશ્રી ઉલ્લાલ.
હુરુન ઇંડિયાના રિપોર્ટ મુજબ, જયશ્રી ઉલ્લાલની કુલ સંપત્તિનો આંકડો 50,170 કરોડ રૂપિયા સુધી પહોંચે છે. આ આંકડો તેમને માત્ર સત્યા નદેલા કે સુંદર પિચાઈથી આગળ નથી લઈ જતો, પરંતુ તેમને દુનિયાના સૌથી ધનિક ભારતીય મૂળના પ્રોફેશનલ સીઇઓ બનાવે છે. સરખામણી કરવી હોય તો કહી શકાય કે સત્યા નદેલાની સંપત્તિ લગભગ 9,770 કરોડ રૂપિયા અને સુંદર પિચાઈની સંપત્તિ લગભગ 5,810 કરોડ રૂપિયા મનાય છે.
અરિસ્ટાની સફળતામાં યોગદાન
વર્ષ 2008થી જયશ્રી ઉલ્લાલ અરિસ્ટા નેટવર્ક્સનું નેતૃત્વ કરી રહ્યા છે. ક્લાઉડ નેટવર્કિંગ અને હાઇ-પર્ફોર્મન્સ ડેટા સેન્ટર્સના ક્ષેત્રમાં આ કંપની આજે વૈશ્વિક લીડર તરીકે ઓળખાય છે. ‘ફોર્બ્સ’ અનુસાર, 2024માં અરિસ્ટા નેટવર્ક્સની વાર્ષિક આવક લગભગ 7 બિલિયન ડોલર રહી હતી, જે ગત વર્ષની સરખામણીમાં લગભગ 20 ટકાનો મજબૂત વધારો દર્શાવે છે. કંપનીની આ સફળતામાં ઉલ્લાલની વ્યૂહાત્મક વિચારસરણી અને ટેક્નિકલ સમજની મોટી ભૂમિકા છે. તેમની પાસે અરિસ્ટા નેટવર્ક્સના લગભગ 3 ટકા શેર છે અને કંપનીના શેરમાં આવેલા જબરદસ્ત ઉછાળાએ તેમની નેટવર્થને નવી ઊંચાઈ પર પહોંચાડી દીધી છે.
લંડનથી દિલ્હી ને પછી અમેરિકા
જયશ્રી ઉલ્લાલનો જન્મ 27 માર્ચ 1961ના રોજ લંડનમાં એક ભારતવંશી પરિવારમાં થયો હતો. ખૂબ જ નાની ઉંમરે તેઓ ભારત આવી ગયા અને તેમનો પ્રારંભિક અભ્યાસ નવી દિલ્હીમાં થયો. તેમના પિતા એક પ્રતિષ્ઠિત ભૌતિકશાસ્ત્રી હતા અને IITsની સ્થાપના સાથે સંકળાયેલા શૈક્ષણિક માળખામાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું. દિલ્હીની જીસસ એન્ડ મેરી કોન્વેન્ટ સ્કૂલમાં શિક્ષણ બાદ તેમનો પરિવાર અમેરિકા સ્થાયી થયો, જ્યાંથી તેમની કારકિર્દીને આંતરરાષ્ટ્રીય દિશા મળી.
સિસ્કોમાં કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ
અમેરિકામાં, જયશ્રી ઉલ્લાલે ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અને બાદમાં એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે AMD અને ફેરચાઇલ્ડ સેમિકન્ડક્ટર જેવી દિગ્ગજ કંપનીમાં કામ કર્યું. જોકે, સિસ્કો (Cisco) સાથેનું જોડાણ તેમની કારકિર્દીનો મોટો વળાંક સાબિત થયું, જ્યાં તેમણે સ્વીચિંગ ડિવિઝનને કંપનીના સૌથી મજબૂત બિઝનેસ સેગમેન્ટમાં ફેરવી દીધું.
વર્ષ 2008માં, તેમણે સિસ્કો છોડીને અરિસ્ટા નેટવર્ક્સની કમાન સંભાળી. તે સમયે અરિસ્ટા એક નાની કંપની હતી અને મર્યાદિત સંસાધનોમાં કામ કરી રહી હતી, પરંતુ તેમના નેતૃત્વ હેઠળ કંપનીએ વૈશ્વિક ટેક માર્કેટમાં પોતાની આગવી ઓળખ બનાવી. સમયના વહેવા સાથે તેઓ એક ઝડપી નિર્ણય લેનાર અને સ્વપ્નદૃષ્ટા નેતા તરીકે જાણીતા બન્યાં.


