નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની રામપુર લોકસભા બેઠકના સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને ભાજપના ઉમેદવાર જયા પ્રદા વિશે અતી વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. જેને પગલે આઝમ ખાન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. આઝમ ખાને કહ્યું હતું કે મને તો ખ્યાલ જ હતો કે જયા પ્રદાના આંતરવસ્ત્રો ખાખી રંગના છે.
રવિવારે જયાપ્રદાનું નામ લીધા વગર આઝમ ખાને કહ્યું હતું કે રામપુર, ઉત્તર પ્રદેશ અને ભારતની જનતાને જયા પ્રદાની વાસ્તવિક્તા જાણવામાં ૨૭ વર્ષ લાગ્યા પણ મને તો માત્ર ૧૭ દિવસમાં જ ખ્યાલ આવી ગયો કે તેમનું અન્ડરવેર ખાખી રંગનું છે.
જયાપ્રદા ભાજપમાં જોડાયા તેને ટાંકીને આઝમ ખાને આ નિવેદન કર્યું હતું. સંઘના ખાખી રંગના પોષાકને ધ્યાનમા રાખીને આઝમ ખાન ટોણો મારવા ગયા પણ તેમણે જે નિવેદન કર્યું તેની ભારે ટીકા થઇ રહી છે. આ વિવાદ વચ્ચે આઝમ ખાન સામે પગલા રાષ્ટ્રીય મહિલા કમિશને ચૂંટણી પંચને રજુઆત કરી છે. સાથે આ નિવેદન બદલ આઝમ ખાનને નોટિસ પણ ફટકારાઇ છે.
આઝમ ખાનના આ નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. બીજી તરફ સમગ્ર મામલે બાદમાં આઝમ ખાને કહ્યું હતું કે મેં મારા ભાષણમાં કોઇ વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો જ નથી. મેં કોઇનું નામ નથી લીધુ તેમ છતા કોઇ પુરવાર કરી બતાવે તો હું લોકસભાની ચૂંટણી નહીં લડુ. દરેકને ખ્યાલ છે કે સંઘના પેન્ટનો કલર ખાખી છે.