નવી દિલ્હીઃ તેલંગણાની સત્તારુઢ પાર્ટી ટીઆરએસના ધારાસભ્ય રમેશ ચેન્નામેનેઈ પાસેથી જર્મન પાસપોર્ટ મળી આવતાં તેમની ભારતીય નાગરિકતા રદ કરી દેવાઈ છે. ચેન્નામેનેઈએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને ભારતીય નાગરિકતા મેળવી હોવાનું બહાર આવતાં હવે તેમના ધારાસભ્યપદ પણ છીનવાશે. ચેન્નામેનેઈ કરીમનગર જિલ્લાના વેમુલાવાડામાંથી ચૂંટાયા હતા. તે ત્રણ વાર આ રીતે ચુંટાઈ આવ્યા હતા અને ત્યાં સુધી કોઈને ખબર પડી નહોતી.
કોર્ટે આ અંગે તપાસ કરવા માટે આદેશ કર્યો તે પછી આખું કૌભાંડ બહાર આવ્યું હતું. ચેન્નામેનેઈ જર્મન નાગરિક છે તેવી અરજી થઈ તે પછી આ તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમના રાજકીય હરીફે સૌથી પહેલાં આંધ્રપ્રદેશ હાઈ કોર્ટમાં તેમની નાગરિકતા અંગે પડકાર ફેંક્યો હતો. તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું હતું કે ચેન્નામેનેઈ જર્મન નાગરિક હતા અને તેઓ ક્યારેય ભારતમાં રહેતા નહોતા. ફોરેનર્સ એક્ટ પ્રમાણે તેઓ વધુ સમય સુધી ભારતમાં રોકાતા નહોતા. ૨૦૦૯માં તેઓ સૌથી પહેલાં ટીડીપીની ટિકિટ પર સંયુક્ત આંધ્ર પ્રદેશમાં ચુંટાયા હતા. આ જ બેઠક પરથી તેઓ તેલંગણા રાષ્ટ્રીય સમિતિમાંથી ૨૦૧૦માં ચુંટાઈ આવ્યા હતા. ૨૦૧૩માં આંધ્ર હાઈ કોર્ટે આ ચૂંટણી રદ કરી નાંખી હતી. ચેન્નામેનેઈ તે પછી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને સ્ટે લઈ આવ્યા હતા. હજુ સ્ટે ઓર્ડર ચાલુ હતો તે પછી પણ તેઓ ૨૦૧૪ની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા અને જીતી પણ ગયા હતા. તે પછી તેમના હરીફે આખી ઘટનાને સુપ્રીમમાં પડકાર ફેંક્યો હતો. સુપ્રીમ કોર્ટે તે પછી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ચેન્નામેનેઈની નાગરિકતા ચકાસવા માટે આદેશ કર્યો હતો. હવે, તેઓ જર્મન નાગરિક હોવાને કારણે ભારતીય નાગરિકતા રદ કરી દેવાઈ છે.