જાણીતા ઉર્દૂ શાયર બશીર બદ્રનું 91 વર્ષની વયે નિધન

Friday 05th June 2026 06:53 EDT
 
 

મુંબઈઃ પ્રખ્યાત શાયર ડો. બશીર બદ્રનું ગુરુવારે ભોપાલમાં નિધન થયું. તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. બદ્ર લાંબા સમયથી ડિમેન્શિયાની બીમારીથી પીડાઈ રહ્યા હતા. યાદશક્તિ જતી રહેતાં તેઓ લોકોને ઓળખી પણ શકતા નહોતા. છેલ્લા કેટલાક સમયથી તેમનું સ્વાસ્થ્ય સતત બગડતું જઈ રહ્યું હતું. ઉર્દૂ ગઝલને નવો અંદાજ આપતાં બદ્રે પરંપરાગત શાયરી સાથે ક્યારેય સંબંધ રાખ્યો નહોતો. મુશ્કેલ શબ્દોને બદલે સરળ શબ્દ પ્રયોગથી શાયરીને નવું સ્વરૂપ આપ્યું હતું. અભ્યાસના ચાહક બશીર બદ્રએ માત્ર પાંચ વર્ષ પહેલાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીથી પીએચડીની પદવી મેળવી હતી, જ્યારે પદવી મળી, ત્યારે તેમણે તેને છાતીએ લગાવી દીધી હતી. બશીર બદ્રે વર્ષ 1969માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીથી અનુસ્નાતકની પદવી મેળવી હતી, ત્યારબાદ 12 ઓગસ્ટ 1974ના રોજ તેઓ મેરઠ કોલેજના ઉર્દૂ વિભાગમાં લેક્ચરર તરીકે જોડાયા અને વર્ષ 1990 સુધી ત્યાં પોતાની સેવાઓ આપી.
વર્ષ 1974 થી 1990 વચ્ચેનો સમયગાળો તેમના જીવનનો સુવર્ણકાળ માનવામાં આવે છે. આ દરમિયાન તેમની શાયરી નવી ઊંચાઈને સ્પર્શી અને તેઓ દેશ-વિદેશમાં ઓળખ બનાવવામાં સફળ રહ્યા. તેમની ગઝલોની સાદગી, ઊંડાણ અને સામાન્ય બોલચાલની ભાષાથી તેઓ લોકોનાં દિલમાં વસી ગયા. બશીર બદ્રની શાયરીમાં પ્રેમ, દર્દ અને જીવનના અનુભવોની ઝલક જોવા મળે છે. તેમના ઘણા શેર આજે પણ લોકોના મોઢે સંભળાય છે અને મુશાયરાઓની જાન બની રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter