જાણીતી બંગાળી અભિનેત્રી બૂક ફેરમાં પર્સ ચોરી કરતાં પકડાઈ

Saturday 19th March 2022 06:26 EDT
 
 

કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોલ્ટલેક ખાતે ચાલી રહેલા કોલકતા પુસ્તક મેળા 2022ના પરિસરમાંથી 12 માર્ચે એક યુવતીની પોકેટમારીના આરોપસર ધરપકડ કરાઇ છે. અહેવાલ અનુસાર તે યુવતીનું નામ રૂપા દત્તા છે અને તે બાંગ્લા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી હોવાનું બહાર આવ્યું છે.
અભિનેત્રીના નામ અંગેનો ખુલાસો થયા બાદ હવે પોલીસ એ જાણવા માટે કામે છે કે, ટોલિવુડની આ સફળ નાયિકા આખરે કયા કારણસર પુસ્તક મેળામાં પોકેટમારી કરી રહી હતી.
પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે ગયા શનિવારે પુસ્તક મેળામાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીને એક યુવતી ડસ્ટબીનમાં બેગ ફેંકતી જોવા મળી હતી. આ સમયે યુવતીને અટકાવીને સવાલ કરવામાં આવ્યો કે, તે બેગ શા માટે ફેંકીને જઈ રહી છે તો તે જવાબ આપી શકી નહોતી. બાદમાં શંકા જતાં પોલીસે પૂછપરછ શરૂ કરી હતી.
આ પછી મહિલા પોલીસને બોલાવવામાં આવી હતી અને યુવતીના બેગની તલાશી દરમિયાન તેમાંથી અનેક પર્સ અને રોકડ મળી આવી હતી. આ યુવતી પોતાની પાસે આટલા બધા પર્સ કઈ રીતે આવ્યા તેનો જવાબ આપવામાં અસમર્થ રહી હતી અને આખરે તેણે ગુનો કબૂલ્યો હતો. તેણે કબૂલ્યું હતું કે, તે અલગ અલગ મેળાઓ, મોટા આયોજનો, ભીડવાળા સ્થળોએ જતી હતી અને પોકેટમારી કરતી હતી. તેના બેગમાંથી આશરે 75 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
રૂપા પાસેથી મળી આવેલી ડાયરીમાં તેણે ક્યારે, ક્યાંથી, કેટલા રૂપિયા મેળવ્યા તેનો હિસાબ પણ લખેલો છે. જોકે તે આવું કયા કારણથી કરતી હતી તેની તપાસ ચાલુ છે. પોલીસને એવી શંકા છે કે, રૂપા કોઈ મોટી ગેંગનો હિસ્સો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter