નવી દિલ્હી: ભારત સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન જાહેર કરાયા હતાં. જેમાં ૭ મહાનુભાવોને પદ્મ વિભૂષણ, ૧૦ મહાનુભાવોને પદ્મ ભૂષણ અને ૧૦૨ મહાનુભાવોને પદ્મશ્રીથી નવાજવાની જાહેરાત કરવામાં આવી હતી.
જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેને પબ્લિક અફેર્સ માટે, તમિલનાડુના સુપ્રસિદ્ધ ગાયક એસપી બાલાસુબ્રમણિયમને (મરણોત્તર) કળા માટે, કર્ણાટકના ડો. બેલે મોનપ્પા હેગડેને મેડિસિન માટે, યુએસએના નરિન્દર સિંહ કાપાનીને (મરણોત્તર) સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ માટે, દિલ્હીના મૌલાના વાહિદુદ્દીન ખાનને આધ્યાત્મિકતા માટે, દિલ્હીના બી.બી. લાલને આર્કિયોલોજી માટે અને ઓડિશાના સુદર્શન સાહૂને કળા માટે પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા છે.
જે ૧૦ મહાનુભાવોને પદ્મભૂષણથી સન્માનવામાં આવ્યા છે તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલને (મરણોત્તર) પબ્લિક અફેર્સ માટે, કેરળના કૃષ્ણા નાયર શાંતા કુમારી ચિત્રાને કળા માટે, આસામના તરુણ ગોગોઇને (મરણોત્તર) પબ્લિક અફેર્સ માટે, કર્ણાટકના ચંદ્રશેખર કમ્બારાને સાહિત્ય અને શિક્ષણ માટે, મધ્ય પ્રદેશના સુમિત્રા મહાજનને પબ્લિક અફેર્સ માટે, ઉત્તર પ્રદેશના નૃપેન્દ્ર મિશ્રાને સિવિલ સર્વિસ માટે, બિહારના રામ વિલાસ પાસવાનને (મરણોત્તર) પબ્લિક અફેર્સ માટે, ઉત્તર પ્રદેશના કાઇબે સાદિકને (મરણોત્તર) આધ્યાત્મિકતા માટે, મહારાષ્ટ્રના રજનીકાંત દેવીદાસ શ્રોફને ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી માટે, હરિયાણાના ત્રિલોચન સિંહને પબ્લિક અફેર્સ માટે સન્માવવામાં આવ્યા છે.
આ ઉપરાંત દેશ-વિદેશના ૧૦૨ મહાનુભાવોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. ગાલવાન ઘાટીમાં શહીદ કર્નલ બી સંતોષ બાબુને મહાવિર ચક્રથી નવાજાયા છે.


