જાહેરહિતની અરજીના પ્રણેતા જસ્ટિસ પી. એન. ભગવતીનું નિધન

Friday 16th June 2017 12:21 EDT
 
 

અમદાવાદઃ ન્યાયતંત્રને જાહેરહિતની અરજી (PIL)નો કન્સેપ્ટ આપનારા દેશના પૂર્વ ચીફ જસ્ટિસ પદ્મ વિભૂષણ જસ્ટિસ પી. એન. ભગવતીનું ૯૫ વર્ષની જૈફ વયે દિલ્હીમાં નિધન થયું છે. સુપ્રીમ કોર્ટમાં સામાન્ય માનવીના સળગતા પ્રશ્નો અને પીડાઓને વાચા આપવામાં ન્યાયતંત્રની ભૂમિકાને વધુ સુદૃઢ બનાવવામાં અને જ્યુડિશિયલ એક્ટિવિઝમમાં તેમની ભૂમિકા સૌથી અગત્યની રહી છે. આઝાદીની ચળવળમાં પોતાનું યોગદાન આપનારા ગુજરાતના આ પનોતા પુત્ર ગુજરાત હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પણ અમૂલ્ય સેવાઓ આપી ચૂક્યા છે.

જસ્ટિસ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી દેશના ૧૭મા ચીફ જસ્ટિસ બન્યા હતા અને વર્ષ ૧૯૮૫થી ૧૯૮૬માં તેમની નિવૃત્તિ સુધી પોતાની સેવાઓ આપી હતી. દરમિયાન જાહેરહિતની અરજીનો કન્સેપ્ટ પણ તેમણે ન્યાયતંત્રને આપ્યો હતો. જે આજે કાયદાનો એક વટવૃક્ષ બની ગયો છે. જસ્ટિસ ભગવતીએ મુંબઇની ગવર્નમેન્ટ લો કોલેજમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો હતો અને બોમ્બે હાઇ કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. ૧૯૬૦માં તેઓ ગુજરાત હાઇ કોર્ટમાં જજ તરીકે નિમણૂક પામ્યા હતા. એ પછી વર્ષ ૧૯૬૭માં તેઓ ગુજરાત હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ થયા હતા. બે વાર તેમણે ગુજરાતના રાજ્યપાલ તરીકેની ફરજ પણ નિભાવી હતી. ૧૯૭૩માં તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે બઢતી પામ્યા હતા. ત્યારબાદ ૧૯૮૫માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા થયા હતા. દેશમાં જ્યુડિશિયલ એક્ટિવિઝનનો પ્રારંભ કરનારા ન્યાયધીશમાં તેમને મોખરાનું સ્થાન મળ્યું છે અને તે કાયમ રહેશે. ભારતીય ન્યાયતંત્રના આ પિતામહના અવસાનથી એક યુગનો અંત થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter