જિનપિંગની મોદી સાથે ૨૪ કલાકમાં ૪ મિટિંગ: ૨ ઇવેન્ટ યોજાશે

Wednesday 09th October 2019 08:38 EDT
 

નવી દિલ્હીઃ ચીનના પ્રમુખ શી જિનપિંગ ૧૧મી ઓક્ટોબરે ૨૪ કલાક માટે ભારતની અનૌપચારિક મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ૧૧મીએ બપોરે ૧.૩૦ કલાકે ચેન્નઈનાં વિમાનમથકે ઉતરાણ કરશે. ૨૪ કલાકના તેમના ભારતમાં રોકાણ દરમિયાન તેઓ વડા પ્રધાન મોદી સાથે ૪ મિટિંગ યોજશે. બે ઇવેન્ટમાં ભાગ લેશે અને કુલ ૭ કલાક સાથે રહીને દ્વિપક્ષીય મંત્રણા કરશે. જિનપિંગ અને મોદી મલ્લપુરમમાં ૩ પ્રસિદ્ધ સ્થાપત્યોની મુલાકાત લેશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. કાશ્મીર મુદ્દે ચીન જ્યારે પાકિસ્તાનને સાથ આપી રહ્યું છે ત્યારે પાક. સાથે તંગદિલી વચ્ચે મોદી અને જિનપિંગ મળી રહ્યા છે.
બંને દેશના નેતાઓ ૧૧મીએ સાંજે ૫ કલાકે બંગાળના અખાતને કિનારે આવેલા રિસોર્ટની લોનમાં મંત્રણા યોજશે. આ પછી મોદી અને જિનપિંગ મલ્લપુરમમાં ૩ સ્થાપત્યો અર્જુન પેનન્સ, પંચ રથ અને શોર ટેમ્પલની મુલાકાત લેશે. મોદી દ્વારા સાંજે શોર ટેમ્પલ ખાતે જિનપિંગનાં માનમાં રાત્રિ ભોજનનું આયોજન કરાશે. બંને નેતાઓ બીજા દિવસે સવારે ૧૦ કલાકે દ્વિપક્ષીય મંત્રણા યોજશે જે ૪૦ મિનિટ ચાલશે. તેમાં વિશ્વને લગતા મહત્ત્વના મુદ્દા ચર્ચવામાં આવશે. ૧૨મીએ બપોરે જિનપિંગ ચીન જવા રવાના થશે.
મલ્લપુરમ અને ચીન વચ્ચે ૨૦૦૦ વર્ષ જૂના સંબંધો હતા. તે વખતે પલ્લવ વંશના રાજાઓ અને ચીનના પ્રતિનિધિઓ વચ્ચે અવરજવર રહેતી. મલ્લપુરમનો બંદર તરીકે ઉપયોગ થતો અને ત્યાંથી માલસામાનની હેરફેર કરવામાં આવતી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter