જીએસટીમાં ઘટાડો ભારતીય અર્થતંત્રમાં ચેતનાનો સંચાર કરશે

Wednesday 20th August 2025 06:17 EDT
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 79મા સ્વાતંત્ર્ય પર્વે દેશવાસીઓને સંબોધન કરતા દેશની સુરક્ષાથી લઇને સ્વાસ્થ્ય સુધીના મુદ્દાઓને આવરી લીધા હતા. 104 મિનિટના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું હતું કે સમગ્ર દેશની સરહદને અભેદ કવચ પૂરું પાડતી સુદર્શનચક્ર સુરક્ષા યોજના અંગે કામ ચાલી રહ્યું છે અને 2035સુધીમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લેવાશે. તો સાથે સાથે જ તેમણે દેશવાસીઓને નિરામય સ્વાસ્થય માટે મેદસ્વીતાની સમસ્યાથી પણ ચેતવ્યા હતા.
વડાપ્રધાને તેમના સંબોધનમાં પાકિસ્તાન સાથે થયેલી સિંધુ જળસંધિ, ઓપરેશન સિંદુરની સફળતા, તમામ જાહેર સ્થળોને સલામત બનાવવા, પાકિસ્તાનની પરમાણુ ધમકીઓથી નહીં ડરવાની, દેશના કિસાનો અને કૃષિક્ષેત્રનાં હિતોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા, આત્મનિર્ભરતા, યુવાનો માટે નવી રોજગારીનું સર્જન, વર્ષાંતે દેશમાં જ સેમિકન્ડક્ટર ચીપના ઉત્પાદનનો પ્રારંભ, સોલર - હાઈડ્રોજન - અને પરમાણુ ઊર્જા તેમજ દેશના બંધારણની રક્ષા જેવા મુદ્દાઓ આવરી લીધા હતા, આ તમામ મુદ્દાઓમાં વડાપ્રધાને હાલના સમયની માંગ મુજબ જે સૌથી વધુ મહત્વના મુદ્દાની વાત કરી હતી તે હતો જીએસટી (ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ) ના દરોમાં ઘટાડો કરવાની.
દેશવાસીઓને દિવાળી ગિફ્ટ હેમ્પર
જીએસટીમાં ઘટાડાની વડાપ્રધાનની આ જાહેરાત દેશવાસીઓ માટે દિવાળીટાણે સૌથી મોટી ભેટસોગાદ પુરવાર થઇ શકે છે. ખુદ મોદીએ જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે ‘આ દિવાળીએ હું તમને બેવડી ભેટ આપીશ!’ આ જાહેરાતના પગલે આગામી દિવસોમાં દેશનું અર્થતંત્ર વધુ તેજગતિએ ધબકતું થઇ શકે છે, લોકોની ખરીદશક્તિમાં ધરખમ વધારો થઈ શકે છે, મોંઘવારીરૂપી અનિષ્ટને કેટલીક હદ સુધી નાથી શકશે અને ટ્રમ્પની ટેરિફ-ધમકીઓથી ભારતીય અર્થતંત્રને થનારા સંભવિત નુકસાનને સરભર કરી શકાશે.
હાલ દેશમાં જીએસટીના દર 3 ટકા, 5 ટકા, 12 ટકા, 18 ટકા, અને 28 ટકા અમલમાં છે. જુદી જુદી ચીજવસ્તુઓ ઉપર અલગ-અલગ દર લાગુ પડે છે. વડાપ્રધાને કરેલી જાહેરાત મુજબ તેમની સરકાર જીએસટીના આ દરોમાં સંશોધન કરીને, અર્થાત્ તેમાં ઘટાડો કરીને દેશવાસીઓને રાહત આપવા માગે છે.
જીએસટી ચાર નહીં માત્ર બે સ્લેબમાં
વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી જીએસટીમાં વ્યાપક સુધારાની જાહેરાત કરી પછી નાણા મંત્રાલયે જીએસટીમાં વર્તમાન ચાર સ્લેબને બે સ્લેબમાં પરિવર્તિ કરવાની દરખાસ્ત કરી છે. આ સાથે કેન્દ્રના સૂત્રોએ રવિવારે કહ્યું કે, નેક્સ્ટ જેન જીએસટીના સુધારા ભવિષ્યમાં સિંગલ જીએસટીની દિશામાં એક મોટું પગલું સાબિત થશે. દેશમાં હાલમાં જીએસટીમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના ચાર સ્લેબ લાગુ છે. પીએમ મોદીની જીએસટીમાં સુધારાની જાહેરાત હેઠળ 12 ટકા અને 28 ટકા સ્લેબ ખતમ કરીને માત્ર 5 ટકા અને 18 ટકા સ્લેબ રાખવામાં આવશે. અત્યારે 12 ટકા ટેક્સના દાયરામાં આવતી 99 ટકા વસ્તુઓનો 5 ટકાના સ્લેબ હેઠળ સમાવેશ કરવાનું સૂચન છે. બીજીબાજુ 28 ટકા ટેક્સમાં આવતી લગભગ 90 ટકા વસ્તુઓને 18 ટકા જીએસટી હેઠળ આવરી લેવાશે.
જીએસટીના સમગ્ર માળખાની સમીક્ષા કરવા એક ટાસ્કફોર્સની રચના કરાશે, જે જીએસટીના સમગ્ર માળખાની નવેસરથી સમીક્ષા કરશે, ત્યારબાદ કેન્દ્ર સરકારને રિપોર્ટ સુપરત કરશે. બાદમાં કેન્દ્ર સરકાર તમામ રાજ્ય સરકારો સાથે પરામર્શ કરીને ઘટાડેલા નવા દરો અમલમાં મૂકશે, જે સમગ્ર દેશ માટે ગેમચેન્જર પુરવાર થશે.
આરએસએસ વિશ્વની સૌથી વિશાળ સ્વૈચ્છિક સંસ્થા
વડાપ્રધાન મોદીએ 79મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે લાલ કિલ્લા પરથી ધ્વજ વંદન બાદ રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વખાણ કર્યા હતા. સંઘના 100માં સ્થાપના દિનનો ઉલ્લેખ કરતા કહ્યું કે 100 વર્ષ અગાઉ એક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બન્યું હતું. વડાપ્રધાનના આ નિવેદન સામે એક વર્ગે નારાજગી પણ વ્યક્ત કરી હતી. વિરોધ પક્ષના નેતાઓએ મોદીની આ પ્રશંસાને વખોડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter