જીએસટીમાં સુધારો દશેરાથી અમલી? દેશનું અર્થતંત્ર તેજ ગતિએ દોડશે

Wednesday 27th August 2025 05:48 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારે આર્થિક સુધારાઓની દિશામાં એક મોટું પગલું ભરતાં ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ - જીએસટી સ્લેબમાં ઘટાડાની તૈયારી શરૂ કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના અધ્યક્ષપદે આજે મળેલી ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં જીએસટીને પાંચ અને અઢાર ટકાના માત્ર બે જ સ્લેબમાં આવરી લેતી દરખાસ્ત મંજૂર કરાઇ છે. હાલ જીએસટી ચાર તબક્કામાં વહેંચાયેલો છે. ઉલ્લેખનીય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 79મા સ્વાતંત્ર્ય પર્વે જ જીએસટી દરોમાં ઘટાડાની જાહેરાત કરી હતી. ભારત સરકારનું આ પગલું પ્રમુખ ટ્રમ્પના ટેરિફ સામે લડવામાં અસરકારક હથિયાર પુરવાર થશે એમ આર્થિક નિષ્ણાતોનું કહેવું છે.
આર્થિક નિષ્ણાતોના મતે દિવાળી સુધીમાં લાગુ થનારા જીએસટી ઘટાડાથી દેશનું અર્થતંત્ર વધુ તેજગતિએ ધબકતું થઇ શકે છે. લોકોની ખરીદશક્તિ વધશે અને યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પના તોતિંગ ટેરિફથી અર્થતંત્રને થનારું નુકસાન પણ ઘણાઅંશે સરભર કરી શકાશે.
જીએસટીના ચાર સ્લેબમાંથી બે સ્લેબ કરીને અમલ કરવાના નિર્ણયનો દશેરા એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવે તેવી ધારણા છે. દિવાળી પૂર્વે થનારી ખરીદીના ધમધમાટને પરિણામે જીએસટીની આવકમાં થનારા સંભવિત ઘટાડાનો આરંભમાં ફટકો ન પડે તે માટે દિવાળી પૂર્વે જ નવી સિસ્ટમને અમલમાં મૂકી દેવાનું સરકાર વિચારી રહી છે. જોકે જીએસટીના સ્લેબમાં આ ફેરફારના કારણે સરકારને લગભગ રૂ. 40,000 કરોડનો ફટકો પડવાની સંભાવના છે. નવા માળખાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવક ઘટશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter