નવી દિલ્હીઃ નાણાકીય ખાધ અને કોર સેક્ટરના વિકાસ અંગે સરકારને નિષ્ફળતા સાંપડી છે જ્યારે જીડીપી મુદ્દે સરકારને કંઇક અંશે રાહત મળી છે. જુલાઇથી સપ્ટેમ્બર સુધીના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વધીને ૬.૩ ટકા થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કર્વાટરમાં જીડીપી ૫.૭ ટકા હતો. ઓક્ટોબરના અંતે નાણાકીય ખાધ વધીને ૫.૨૫ લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે.
નાણાકીય ખાધનો આંકડો ૨૦૧૭-૧૮ના નિર્ધારિત લક્ષ્યાંકના ૯૬.૧ ટકા થઇ ગયો છે જ્યારે કે હજુ પાંચ મહિના બાકી છે. ઓક્ટોબર મહિનામાં કોર સેક્ટરનો વિકાસ ઘટીને ૪.૭ ટકા થઇ ગયો છે. ૨૦૧૬-૧૭ના જુલાઇથી સપ્ટેમ્બર સુધીના કર્વાટરમાં જીડીપી ૭.૫ ટકા હતો. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (સીએસઓ) દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર બીજા કર્વાટરમાં મેન્યુફેકચરિંગ, વીજળી, ગેસ, પાણી પુરવઠો, વેપાર, હોટેલ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન ક્ષેત્રમાં ૬ ટકાથી વધુ વિકાસ થયો છે. જો કે ફોરેસ્ટી અને ફિશરિઝ સેક્ટરનો વિકાસ ૧.૭ ટકા રહ્યો છે. બીજી તરફ ખર્ચ વધતા અને આવક ઓછી રહેતા ઓક્ટોબર મહિનાને અંતે નાણાકીય ખાધ બજેટમાં નક્કી કરવામાં આવેલા નાણાકીય ખાધના લક્ષ્યાંકની ૯૬.૧ ટકા થઇ ગઇ છે.


