વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદના જૂના ભવનમાંથી વિદાય લેતા પૂર્વે કરેલા સંબોધનના અંશો...
• પરિવાર જૂનું ઘર છોડીને જાય ત્યારે અનેક યાદો લઈને જાય છે. આપણે સદન છોડીને જઈએ છીએ ત્યારે અનેક ભાવનાઓ અને ખાટીમીઠી યાદો સાથે લઈને જઈ રહ્યા છીએ.
• પંડિત નેહરુ, શાસ્ત્રીજી, વાજપેયી, મનમોહનસિંહ, ઈન્દિરા ગાંધી સહિત અનેક વડાપ્રધાનોએ સદનનું નેતૃત્વ કર્યુ છે. દેશને દિશા આપી છે. દેશને નવા રંગરૂપ આપવા ભારે પરિશ્રમ કર્યો છે. આજે તેમનું ગૌરવગાન ગાવાનો અવસર છે. સરદાર પટેલ, લોહિયા, ચંદ્રશેખર, અડવાણી જેવા નેતાઓએ ગૃહમાં તંદુરસ્ત ચર્ચાઓ કરી છે.
• આ સદનમાં નેહરુનાં ગુણગાન વખતે કોઈ સભ્ય એવું નહીં હોય કે જેમણે તાળી નહીં પાડી હોય. શાસ્ત્રીજીએ 1965ના યુદ્ધમાં અહીંથી જ સૈનિકોનો જુસ્સો વધાર્યો હતો.
• સંસદ ભવન પર કરાયેલો આતંકી હુમલો આપણા જીવાત્મા પર કરાયેલો હુમલો હતો.
• અત્યાર સુધીમાં 7500થી વધુ પ્રતિનિધિઓ બંને ગૃહમાં આવી ચૂક્યા છે. જેમાં 600 મહિલાઓ છે. દેશનાં તમામ વર્ગનું અહીં યોગદાન રહ્યું છે.
• સંસદનું કામકાજ નવા બિલ્ડિંગમાં શિફટ થતાં પુર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં લોકસભાના સૌથી વૃદ્ધ સભ્ય - 93 વર્ષીય સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર રહેમાન બર્ક અને સૌથી નાની વયના બીજેડીના 30 વર્ષીય ચંદ્રાણી મુમુનો ઉલ્લેખ કર્યો હતો.
• ભગવાન ગણેશ વિધ્નહર્તા છે. ગણેશ ચતુર્થીના દિવસે આપણે નવા સંસદ ભવનમાં જઈ રહ્યા છીએ, જ્યાં વિકાસ આડે કોઈ વિઘ્નો આવશે નહીં.
• જૂનું સંસદ ભવન હંમેશા નવી પેઢીને પ્રેરણા આપતું રહેશે. જે ભારતની લોકશાહીની સોનેરી સફર વર્ણવતું રહેશે.