જૂહીને અરજી ભારે પડીઃ કોર્ટે રૂ. ૨૦ લાખનો દંડ ફટકાર્યો

Thursday 10th June 2021 07:08 EDT
 
 

અભિનેત્રી જૂહી ચાવલાએ ફાઇવ-જી ટેક્નોલોજી વિરુદ્ધ કરેલી અરજી દિલ્હી હાઇ કોર્ટે ફગાવી દીધી છે. સાથે સાથે જ કોર્ટનો સમય બગાડવા બદલ રૂ. ૨૦ લાખનો તોતિંગ દંડ પણ ફટકાર્યો છે. કોર્ટનું કહેવું હતું કે, જૂહી ચાવલાએ ફાઈવ-જી ટેક્નોલોજી વિરુદ્ધ કોઇ નક્કર કારણ વગર અરજી કરી હતી. અરજદારે કાયદાકીય પ્રક્રિયાનો ખોટો ઉ‌પયોગ કર્યો છે. આ મુદ્દે કોર્ટમાં આવતાં પહેલાં તે આ અંગે સરકારને રજૂઆત કરી શકતા હતા. આ અરજી કરીને અરજદારે કોર્ટનો કિંમતી સમય બગાડ્યો છે. હાઇ કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે, એવું લાગે છે કે આ અરજી માત્ર પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ફાઈવ-જી ટેસ્ટિંગને લઇને વિવિધ મત રજૂ થઇ રહ્યા છે. કેટલાક આને લાભદાયી ગણાવી રહ્યાં છે, તો કેટલાકનું માનવું છે કે, આનું ટેસ્ટિંગ ખૂબ જ નુકસાનકારક થઇ શકે છે. આ દરમિયાન અભિનેત્રી જૂહી ચાવલાએ દેશમાં ફાઈવ-જી ટેસ્ટિંગ વિરુદ્ધ અવાજ ઉઠાવતાં એવી રજૂઆત કરી હતી કે તમામ રિસર્ચમાં સામે આવ્યું છે કે આરએફ રેડિએશન ખૂબ જ હાનિકારક સાબિત થઇ શકે છે. આ રેડિયેશન્સ લોકોની હેલ્થ અને સેફ્ટી માટે સારા નથી. આ મામલામાં જૂહીની સાથે વધુ બે લોકોએ અરજી દાખલ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter