જેએનયુમાં બુકાનીધારીઓએ જાતિ અને નામ પૂછીને ૩ કલાક હિંસા આચરીઃ વિદ્યાર્થીઓ

Wednesday 08th January 2020 05:03 EST
 
 

નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં પાંચમી જાન્યુઆરીએ સાંજે ૩ કલાક વિદ્યાર્થીઓ પર હિંસા આચરવામાં આવી હતી. જેએનયુમાં થયેલી હિંસા બાદ દેશના કેટલાક શહેરોમાં પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ મામલે દિલ્હી પોલીસે સાતમી જાન્યુઆરીએ જણાવ્યું કે, હજુ સુધી કોઈ પણ હુમલાખોરોની ધરપકડ કરી શકાઈ નથી. જેએનયુના કુલપતિ જગદીશ કુમારે કહ્યું કે, આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ પ્રકારની હિંસા અમારા કેમ્પસમાં થઈ છે. બીજી તરફ, સાતમીએ મોડી સાંજે અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ હિંસાની વિરુદ્ધમાં ચાલતા પ્રદર્શનો કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં જેએનયુ કેમ્પસમાં પહોંચી હતી.

નામ અને જાતિ પૂછીને હિંસા

હિંસાની ઘટનામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત ૨૨થી વધુ ઘાયલ થયા હતા. ડાબેરી વિદ્યાર્થી સંગઠનની અધ્યક્ષા આઇશી ઘોષનું માથું ફોડી નાખવામાં આવ્યું હતું જ્યારે અન્ય વિદ્યાર્થીઓની સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. જેએનયુના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, હુમલો કરનારા બુકાનીધારીઓએ વિદ્યાર્થીઓને તેમનું નામ અને જાતિ પૂછીને માર માર્યો હતો. સાબરમતી હોસ્ટેલ અને પેરિયાર હોસ્ટેલને હુમલાખોરોએ ૩ કલાક બાનમાં લીધી હતી. ઘવાયેલા વિદ્યાર્થીઓએ આપવીતી જણાવતા કહ્યું કે, સાંજે ૪ વાગે કેમ્પસમાં ટી પોઈન્ટ પર મિટિંગ થઈ હતી. આ પછી ૪.૩૦ વાગે કેટલાક વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન માટે ગયા હતા ત્યારે તેમને ગુંડાઓએ માર મારવો શરૂ કર્યો હતો. પ વાગે વિદ્યાર્થીઓ અને ટીચર્ચ વચ્ચે મિટિંગમાં મારામારી થઈ હતી. ૬.૩૦ કલાકે વિદ્યાર્થીઓ ફરિયાદ નોંધાવતા હતા ત્યારે ૨૦૦થી ૩૦૦ જેટલા લોકો આવ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. વિદ્યાર્થીઓ ભાગીને પેરિયાર હોસ્ટેલ આવ્યા હતા ત્યાં અગાઉથી ૩૦-૪૦ હુમલાખોરો હાજર હતા. તેમણે સિનિયરને માર્યા હતા. આ ઘટનામાં એબીવીપી અને લેફ્ટના વિદ્યાર્થી સંગઠનોએ એકબીજા પર હુમલાનો આરોપ લગાવ્યો હતો.
ઘટના વખતે કેમ્પસમાં એબીવીપીનાં ટેકેદારો મોટી સંખ્યામાં હાજર હતા. કેમ્પસમાં સાદા ડ્રેસમાં ૧૦ પોલીસ હતા તેની સાથે મારપીટ કરાઈ હતી. આ ઘટનામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સ સહિત ૩૪ને ઈજા થઈ હતી. કેટલાક હુમલાખોરોએ વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું હતું અને તેમાં નક્કી કરેલા કોડવર્ડ મુજબ વાતો કરતા હતા.
વોટ્સએપ ગ્રૂપમાં દેશદ્રોહીઓને મારવાની વાત હતી. એક મેસેજમાં હતું કે, એક વખત આરપાર કરવાની જરૂર છે. અત્યારે નહીં મારીએ તો ક્યારે મારીશું. કોમી લોકોએ ગંદકી ફેલાવી છે. બીજો મેસેજ એવો હતો કે આ દેશદ્રોહીઓને મારીને મજા આવી ગઈ. ત્રીજો મેસેજ હતો કે. સાલોં કો હોસ્ટેલમેં ઘૂસકે તોડા. ચોથા મેસેજમાં હતું કે, યુનિટિઇન્સ્ટ લેફ્ટ. પાંચમો મેસેજ સંઘી ગુંડે મુર્દાબાદ હતો.

સુઆયોજિત હુમલો

જેએનયુએસયુના અધ્યક્ષ આઈશી ઘોષે આ હુમલા વિશે જણાવ્યું હતું કે આ સુઆયોજિત હુમલો હતો. જેમાં દરેકને અલગ અલગ કરીને જાતિ અને નામ પૂછીને માર મારવામાં આવ્યો હતો. કેટલાક અજાણ્યા લોકો કેમ્પસમાં એકઠા થઈ રહ્યા છે તેની અમે પોલીસને જાણ કરી હતી પણ પોલીસે તેની ગંભીરતાની નોંધ લીધી ન હતી. આઈશી ઘોષે જેએનયુ વીસીને હટાવવાની માગણી કરી હતી. તેમણે જણાવ્યું કે, અમારા પરનો હુમલો શક્યતઃ સંઘ અને એબીવીપી દ્વારા કરાયો હતો. જેનું પ્લાનિંગ ૩-૪ દિવસથી ચાલતું હતું.

દેશભરમાં વિરોધ પ્રદર્શન

જેએનયુમાં રવિવારે વિદ્યાર્થીઓનાં બે ગ્રૂપ વચ્ચે થયેલી હિંસાના સોમવારે દેશભરમાં ગંભીર પ્રત્યાઘાતો પડયા હતા. દિલ્હી પોલીસે ઘટનાની જાતે નોંધ લઈને એફઆરઆઈ દાખલ કરી હતી. પોલીસે અજાણ્યા લોકો સામે હિંસા ભડકાવવા તેમજ સંપત્તિને નુકસાન પહોંચાડવાનો કેસ કર્યો હતો. હિંસા રોકવામાં નિષ્ફ્ળ જવા માટે સાબરમતી હોસ્ટેલના રેક્ટર આર. મીણાએ રાજીનામું આપ્યું હતું. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સોમવારે કેમ્પસમાં પહોંચી હતી અને સોશિયલ મીડિયા પર ચાલેલા મેસેજ અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી. દિલ્હી પોલીસે હિંસાની તપાસ માટે જોઈન્ટ કમિશનરનાં વડપણમાં તપાસ ટુકડીની રચના કરી હતી. જેએનયુમાં થયેલી હિંસામાં મહત્ત્વની કડી મળ્યાનો દિલ્હી પોલીસે દાવો કર્યો હતો.
ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીના એલ જી અનિલ બૈજલને જેએનયુના પ્રતિનિધિઓને બોલાવીને ચર્ચા કરવા કહ્યું હતું. ગૃહ પ્રધાને દિલ્હીના પોલીસ કમિશનર અમૂલ પાઠકને બુકાનીધારી હુમલાખોરોને વહેલી તકે પકડવા આદેશ આપ્યો હતો. પ્રોફેસરોનાં સંગઠન જેએનયુટીયુ દ્વારા કેમ્પસમાં હિંસા માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના રાજીનામાની માગણી કરી હતી. હિંસામાં ઘવાયેલા તમામ વિદ્યાર્થીઓને એમ્સમાંથી રજા આપવામાં આવી હતી.

જેએનયુએ રિપોર્ટ સોંપ્યો

સોમવારે કેન્દ્રનાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા રજિસ્ટ્રાર, પ્રોક્ટર અને રેકટરને બોલાવવામાં આવ્યા હતા. જેએનયુ સત્તાવાળાઓએ ઘટનાનો રિપોર્ટ એચઆરડીને સોંપ્યો હતો. જો કે, યુનિવર્સિટીના કુલપતિ એમ. જગદીશકુમાર હાજર રહ્યા ન હતા.
જેએનયુમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના વિરોધમાં સોમવારે પુડુચેરી યુનિવર્સિટી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, બેંગલુરુ યુનિવર્સિટી, પ. બંગાળની જાધવપુર યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ સહિત દેશની ઘણી વિદ્યાશાખામાં વિરોધ દેખાવ થયા હતા. મુંબઈના ગેટ વે ઓફ ઇન્ડિયા પર પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અને ટીચર્સે એકઠા થઈ હિંસાનો વિકોઝ કર્યો હતો. આઈઆઈટી મુંબઈ, ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓ દેખાવોમાં સામેલ હતાં.

ઉલ્લેખનીય છે કે, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણતા એક ભારતીય વિદ્યાર્થીએ ટ્વિટ કરીને આ પ્રદર્શનની તસવીર શેર કરી હતી અને જેએનયુમાં થયેલી હિંસાને વખોડતી ટ્વિટ કરી હતી. આ ઉપરાંત કોલંબિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ જેએનયુના વિદ્યાર્થીઓ પ્રત્યે સમર્થન દર્શાવ્યું અને હિંસાની ટીકા કરી છે.
જેએનયુમાં થયેલી હિંસાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં એબીવીપીના કાર્યકરો અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. સાતમીએ સવારે એનએસયુઆઈના કેટલાક કાર્યકરોએ એબીવીપી કાર્યાલય પર વિરોધ કર્યો હતો જેને પગલે બંને વિદ્યાર્થી દળો વચ્ચે જોરદાર અથડામણ થઈ હોવાનું જણાયું હતું. અથડામણે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેમાં એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી લોહીલુહાણ થયા હતા. ગુજરાત કોંગ્રેસે ભાજપની ભગીની સંસ્થા એવી એબીવીપીના આ કૃત્યને વખોડ્યું છે. કોંગ્રેસે જણાવ્યું છે કે ગાંધી અને સરદાર પટેલના ચીંધ્યા માર્ગે શાંતિપૂર્વક દેખાવો પર જોરજુલમ કરાય છે. કેન્દ્ર અને પ્રદેશની ભાજપ સરકાર હવે તમામ હદો વટાવીને વિદ્યાર્થીઓ પર દમન કરી રહી છે. આ હિંસા એબીવીપીનો અસલી ચહેરો દર્શાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter