નવી દિલ્હીઃ કરોડોનાં દેવા તળે દબાયેલી જેટ એરવેઝનાં સ્થાપક અને ચેરમેન નરેશ ગોયલ તથા તેમનાં પત્ની અનિતાએ સોમવારે કંપનીનાં બોર્ડમાંથી તેમજ અન્ય હોદેથી રાજીનામા આપ્યાં હતાં. ૨૫ વર્ષ પહેલાં ૧૯૯૩માં તેમણે કંપની સ્થાપી હતી. નરેશ ગોયલનાં રાજીનામા પછી સ્ટેટ બેંકનાં વડપણ હેઠળ બેંકોની એક કમિટી દ્વારા કંપનીને તત્કાળ રૂ. ૧,૫૦૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેથી તેના રોજબરોજનાં વ્યવહારો જાળવી શકાય. જેટ એરવેઝનાં માથે ૨૬ બેંકોનું રૂ. ૮,૨૦૦ કરોડથી વધુનું દેવું છે. આ કંપનીએ માર્ચના અંત સુધીમાં રૂ. ૧,૭૦૦ કરોડ ચૂકવવાનાં છે. કંપની દ્વારા બેંકો, સપ્લાયર્સ, પાઇલટ્સ તેમજ વિમાન લીઝ આપનારાઓનાં રૂ. ૮,૦૦૦ કરોડ ચૂકવવાનાં બાકી હતા. જેથી કંપનીને ૫૪ વિમાન ગ્રાઉન્ડેડ કરવાની ફરજ પડી હતી.
દેવું ૧૧.૪ કરોડ ઇક્વિટી શેરોમાં બદલાશે
દેવામાં ડૂબેલી એરલાઇન્સને પૈસાનાં અભાવે ૫૪થી વધુ વિમાનો ગ્રાઉન્ડેડ કરવાની અને ૧૩ આંતરરાષ્ટ્રીય રૂટ પર સેવા બંધ કરવાની ફરજ પડી છે. નરેશ ગોયલે રાજીનામું આપ્યા પછી કંપનીનાં સીઈઓ વિનય દુબે જેટ એરવેઝને સંકટમાંથી બહાર કાઢવાની કામગીરી સંભાળશે. કંપનીનાં બોર્ડ દ્વારા રેઝોલ્યુશન પ્લાનને મંજૂર કરાયેલ છે જેટ એરવેઝનાં લેણદારોનાં દેવાને ૧૧.૪ કરોડ ઇક્વિટી શેરોમાં બદલાશે. એતિહાદનાં એક નોમિની ડાયરેક્ટરે પણ બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે.


