ભોપાલઃ સિમીના ૮ આતંકીઓ ભોપાલની સેન્ટ્રલ જેલમાંથી ફરાર થયા અને ત્યારબાદ એન્કાઉન્ટરમાં માર્યા ગયા તે ઘટનાના પગલે ખૂબ રાજકીય હોબાળો મચ્યો છે. જેલમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સરકાર પણ સવાલના ઘેરામાં છે. પૂર્વ આઈજી (જેલ)એ ખુલાસો કર્યો છે કે તેમણે જેલની પરિસ્થિતિ અંગે બે વર્ષ પહેલા જ મધ્ય પ્રદેશ સરકારને ચેતવી હતી. ૨૦૧૪માં જ સરકારે જેલની નબળાઈઓ, ખરાબ સુરક્ષા વ્યવસ્થા અને કર્મચારીઓની દુ:ખદ સ્થિતિ અંગે જણાવ્યું હતું.
એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ પૂર્વ આઈજી જી કે અગ્રવાલે જણાવ્યું છે કે 26 જૂન ૨૦૧૪ના રોજ તેમણે રાજ્યના તત્કાલિન મુખ્ય સચવિને પત્ર લખ્યો હતો. જી કે અગ્રવાલના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NIA) અજીત ડોભાલ અને ઈન્ટેલિજન્સ બ્યુરો પણ આ વાતથી માહિતગાર હતાં. તેમણે જણાવ્યું કે ૨૦૧૩માં ખંડવા જેલમાંથી પણ સિમીના ૬ આતંકીઓ ફરાર થયા હતાં, ચેતવણી આપવા છતાં કોઈ અસર થઈ નહતીં.
અગ્રવાલે એમ પણ કહ્યું કે તેમણે અધિકારીઓ સાથે એક બેઠક કરીને માંગણી કરી હતી કે ભોપાલ કે અન્ય જેલોમાં થતી આવી ઘટનાઓને કેવી રીતે રોકવામાં આવે? પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો નહતો. અગ્રવાલે પત્રમાં લખ્યું હતું કે હાલ અન્ય જેલોમાંતી સિમીના આતંકીઓને ભોપાલ જેલમાં રાખવામાં આવ્યાં છે. પરંતુ જેલની ઈમારત નબળી છે અને અહીંની સુરક્ષા વ્યવસ્થામાં પણ ખામી છે તથા કર્મચારીઓની સ્થિતિ ચિંતાજનક છે. જો કોઈ મોટી ઘટના ન ઘટે તો બધુ બરાબર છે તે માની લેવું ખોટું રહેશે. ભગવાન મદદ કરી રહ્યા છે પરંતુ દર વખતે ભગવાન મદદ કરશે તે માની લેવું પણ ખોટું છે. સેવાનિવૃત અધિકારીએ સ્ટાફની અછતના મામલાને પણ ઉઠાવ્યો હતો. સેન્ટ્રલ જેલથી ફરાર તમામ આતંકીઓ જો કે બીજા જ દિવસે પોલીસ સાથે એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતાં.