અયોધ્યાઃ જોધપુર ગૌશાળાથી 600 લિટર ગાયનું ઘી ગાડામાં લઈને નીકળેલા 10 બળદ અયોધ્યા પહોંચ્યા છે. જોધપુરની મહર્ષિ સાંદીપનિ રામ ધર્મ ગૌશાળા ખાતેથી સ્ટીલની 108 કોઠીમાં 600 લિટર ગાયનું ઘી ગાડામાં લઈ આ બળદો રવાના થયા હતા. અયોધ્યા પહોંચ્યા બાદ બળદોને સરયૂ નદીમાં સ્નાન કરાવાયું હતું, અને તે પછી કારસેવકપુરમ ખાતે મંદિર ટ્રસ્ટને ઘીની સોંપણી થઈ હતી. જોધપુર-અયોધ્યાનું અંતર 1,058 કિમી છે. પાંચ બળદગાડાને ખેંચતા 10 બળદ અયોધ્યા પહોંચ્યા હતા. યાત્રાને નામ અપાયું હતું ‘શ્રી રામલલા દર્શન પૈદલ શોભાયાત્રા’. બળદગાડા સાથે જોધપુરના બે ડઝન ભક્તો પણ ટ્રકમાં સફર કરી રહ્યા હતા. બળદને પણ આરામનો સમય અપાતો હતો. ગાયના આ ઘીનો ઉપયોગ 22 જાન્યુઆરીએ નવા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા વિધિમાં થશે અને તે પછી મંદિરમાં દેવપૂજા માટે તેનો ઉપયોગ થશે. નંદી એ શિવનું વાહન છે તે વિચાર સાથે પ્રતિકાત્મક રીતે બળદગાડામાં ઘી અયોધ્યા પહોંચાડાયું છે. ભગવાન રામ પણ શિવભક્ત હતા. રામ વિષ્ણુનો અવતાર હોવાથી શિવ પણ રામને ભજતા હતા. વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા શરદ શર્માએ જણાવ્યું હતું કે, ગાયનું ઘી વિશિષ્ઠ ઘી છે. તેમાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે. ધાર્મિક ભાવના સાથે બળદગાડામાં ઘી અયોધ્યા પહોંચ્યું છે.
અયોધ્યા પહોંચ્યા બાદ બળદગાડાં અને ટ્રકે પંચકોશી પરિક્રમા પણ કરી હતી. પંચકોશી યાત્રા તે 15 કિમીનો રૂટ છે, કે જેના માર્ગમાં અયોધ્યાના મહત્ત્વના ધર્મસ્થાનો આવેલા છે. હાલમાં બળદો કારસેવકપુરમમાં આરામ કરી રહ્યા છે. થોડા દિવસમાં ટ્રકમાં બળદ જોધપુર પાછા ફરશે. જ્યારે બળદગાડા અયોધ્યામાં જ રહેશે.


