જોધપૂરઃ જોધપૂરના મારવાડ રાજઘરાનાના પૂર્વ રાજમાતા, જોધપૂરના પૂર્વ સાંસદ અને ગુજરાતના ધ્રાગંધ્રાના રાજકુમારી કૃષ્ણા કુમારીનું ૯૨ વર્ષની પાકટ વયે સોમવારે, બીજી જુલાઈ ૨૦૧૮ની મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમનાં અંતિમ સંસ્કાર મંગળવારની સાંજે જશવંત થડા પર કરવામાં આવ્યાં તે અગાઉ તેમના પાર્થિવ દેહને લોક દર્શનાર્થે ઉમેદભવન પેલેસમાં રાખવામાં આવ્યો હતો
કૃષ્ણા કુમારીનો જન્મ ૧૦ ફેબ્રુઆરી, ૧૯૨૬માં ધ્રાગંધ્રાના ઝાલા રાજપરિવારમાં મહારાજા સર ઘનશ્યામસિંહજી અજિતસિંહજી સાહિબ બહાદુર (૧૮૮૯-૧૯૪૨)ને ત્યાં થયો હતો. દેખાવમાં અતિ સુંદર કૃષ્ણા કુમારીનો અભ્યાસ ધ્રાગંધ્રા રાજમહેલની સ્કૂલમાં ભાઈઓ અને પિતરાઈઓ સાથે બ્રિટિશ ગવર્નેસીસ હેઠળ થયો હતો.
૧૯૪૩માં ધ્રાગંધ્રાના સૂરજ મહેલ પેલેસ ખાતે તેમનાં લગ્ન જોધપૂરના યુવરાજ હનુવંતસિંહ સાથે ૧૬ વર્ષની વયે થયાં હતા. અનેક દિવસો સુધી લગ્નના સમારંભો ચાલ્યા પછી સફેદ રોલ્સ રોઈસના કાફલા સાથે તેઓ જોધપૂર આવ્યાં હતાં. રાજમાતા કૃષ્ણા કુમારીનાં સંતાનોમાં ચંદ્રેશ કુમારી, શૈલેશ કુમારી અને ગજ સિંહનો સમાવેશ થાય છે. તેમના લગ્ન સમયે મારવાડના તત્કાલીન મહારાજા ઉમ્મેદસિંહ હતા અને તેમના પછી હનુવંતસિંહ મહારાજા બન્યા હતા. તેઓ ૧૯૪૭થી ૧૯૪૯ના ગાળામાં જોધપૂરના મહારાણી રહ્યાં હતાં. તેમણે અત્યાર સુધી જોધપૂર રાજપરિવારની પાંચ પેઢી નિહાળી હતી.
રાજા-મહારાજાઓ ચૂંટણીમાં ઉભા રહેશે તો તેમના સાલિયાણાં બંધ કરવાની ધમકી વડા પ્રધાન જવાહર લાલ નેહરુએ આપી ત્યારે મહારાજા હનુવંતસિંહે ૧૯૫૧માં ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં જોધપૂરની લોકસભા બેઠક પરથી ઝૂકાવ્યું હતુ અને સ્વૈચ્છિકપણે પોતાનું સાલિયાણું છોડ્યું હતું. જોકે, ૧૯૫૨માં મહારાજા હનુવંતસિંહનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયા પછી તેઓ મરણોત્તર વિજેતા જાહેર કરાયા હતા. આ પછી, ૨૬ વર્ષનાં કૃષ્ણા કુમારીએ મહારાજા ગજ સિંહ દ્વિતીયના રાજમાતા તરીકે તેમજ પરિવાર અને આર્થિક જવાબદારીઓ સંભાળી હતી. તેમના પૌત્ર શિવરાજ સિંહ તેમજ પ્રપૌત્ર સિરાજદેવ સિંહ અને પ્રપૌત્રી વારા રાજે છે.
મહારાજા હનુવંતસિંહે આ ઉપરાંત, બે લગ્ન કર્યા હતા. બીજાં લગ્ન સ્કોટિશ નર્સ સાન્ડ્રા મેકબ્રાઈડ અને ત્રીજાં લગ્ન મુસ્લિમ ડાઈવોર્સી અભિનેત્રી અને ગાયિકા ઝૂબૈદા સાથે કર્યા હતા. ઝૂબૈદાના પુત્ર હુકમસિંહ ઉર્ફ ટુટુ બન્નાનું લાલનપાલન પણ રાજમાતાએ પ્રેમથી કર્યું હતું. તેમણે ગજ સિંહ દ્વિતીયને નાની વયે જ બ્રિટનમાં કોઠિલ હાઉસ, એટન કોલેજ અને ઓક્સફર્ડમાં અભ્યાસ માટે મોકલ્યા હતા.
રાજમાતાએ અંત સુધી જોધપૂર સાથે ગાઢ સંબંધ જાળવી રાખ્યો હતો. તેઓ સામાજિક કાર્યોમાં સંકળાયેલાં રહ્યાં હતા. તેમણે ૧૯૭૧માં લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતીથી વિજય મેળવ્યો હતો અને ૧૯૭૭માં રાજનીતિક્ષેત્રથી નિવૃત્ત થયાં હતાં. તેમણે ઘૂંઘટપ્રથા દૂર કરવાના અભિયાન ઉપરાંત, મહિલા અધિકાર અને છોકરીઓનાં અભ્યાસની પણ તરફેણ કરી હતી. મારવાડમાં જ્યારે પણ દુકાળ અથવા અન્ય કોઈ આપત્તિના સમયે રાજમાતા સહાયમાં સૌથી આગળ રહ્યાં હતાં.