લખનઉ: જ્ઞાનવાપી કેસમાં 93 દિવસ સુધી ચાલેલા વૈજ્ઞાનિક સરવેનો આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ)એ સોમવારે વારાણસી જિલ્લા ન્યાયાધીશની અદાલતમાં રિપોર્ટ સુપરત કર્યો હતો. એએસઆઇના એડિશનલ ડાયરેક્ટરે સીલબંધ કવરમાં અહેવાલ સુપરત કર્યો હતો. 1500થી વધુ પાનાના આ અહેવાલમાં ઇમારતના ધાર્મિક ચરિત્ર સાથે સંકળાયેલાં તમામ પુરાવા, જીપીઆર અને કાર્બન ડેટિંગ જેવાં પરીક્ષણોનાં પરિણામો હોવાનું મનાઈ રહ્યું છે.
મંદિર પક્ષના ધારાશાસ્ત્રી વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે ‘એએસઆઇએ 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કરીને સીલબંધ કવરમાં અહેવાલ સુપરત કર્યો છે.’ બીજી તરફ આ અહેવાલ રજૂ કરતાં પહેલાં મુસ્લિમ પક્ષના અંજુમન ઇંતજામિયા મસ્જિદના વકીલે કોર્ટમાં અરજી કરીને અહેવાલના મીડિયા પ્રકાશન પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી.
હવે 21મીએ ચુકાદો સંભળાવશે
એએસઆઇના ધારાશાસ્ત્રી રાહુલ મિશ્રાએ કહ્યું, એએસઆઈએ દરેક બાબતોના અધ્યયન પછી પોતાનો મત રજૂ કર્યો છે. તેનો નિષ્કર્ષ સીલબંધ કવરમાં સુપરત કરાયો છે. કોર્ટે તમામ પક્ષોની રજૂઆતો સાંભળી છે. કોર્ટ હવે 21 ડિસેમ્બરે ચુકાદો સંભળાવશે.
મથુરા જન્મભૂમિ અને શાહી ઇદગાહ
મસ્જિદ મુદ્દે ચુકાદો અનામત
મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં અલ્લાહાબાદ હાઈ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. વિવાદાસ્પદ સંકુલનું કોર્ટ કમિશનર પાસે સરવે કરાવવા અંગેનો ચુકાદો અનામત રખાયો છે.


