નવી દિલ્હી: ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ એક કેસના સંદર્ભમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકોને લડવામાં મજા આવે છે અને હંમેશાં અદાલતમાં જ રહેવા ઇચ્છે છે. આ લોકો અદાલતને જોયા વગર રહી જ શકતા નથી. વાત એમ છે કે કોર્ટે એક આશ્ચર્ય જન્માવે તેવા પતિ-પત્નીના ઝઘડાના કેસમાં આ ટિપ્પણી કરી છે. આ દંપતી વચ્ચેના મતભેદો એટલા વધી ગયા કે તેમણે એકમેક પર 60 કેસ કર્યા છે.
યુગલને મધ્યસ્થી માટે આદેશ
ચીફ જસ્ટિસની બેન્ચે યુગલને વિવાદનું નિરાકરણ લાવવા માટે મધ્યસ્થી કરવાનો નિર્દેશ કર્યો હતો. જસ્ટિસ હિમા કોહલીએ જણાવ્યું હતું કે, વકીલોની પ્રતિભાને પણ ધ્યાન પર લેવી જોઈએ. તેમને એ બાબતનું પણ આશ્ચર્ય હતું કે, યુગલ આટલીબધી વાર કોર્ટમાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે જ્યારે પત્નીને પૂછયું કે તે સમજૂતી માટે તૈયાર છે ખરી? ત્યારે તેના વકીલે જણાવ્યું હતું કે તે મધ્યસ્થી કરવા તૈયાર છે, પરંતુ હાઇ કોર્ટમાં જે કાર્યવાહી ચાલે છે તેની સામે સ્ટે મૂકાવો જોઈએ નહીં. બેન્ચે તરત કહ્યું હતું કે તે સંભવ નથી. લાગે છે કે તમને તકરાર કરવામાં વધારે રસ છે. તમારી પાસે બન્ને વિકલ્પ ના હોઈ શકે.


