મુંબઈઃ વિવાદાસ્પદ ઇસ્લામ ઉપદેશક ઝાકિર નાઈકના ભારત પાછા ફરવા અંગે સસ્પેન્સ બની રહ્યું છે. નક્કી કાર્યક્રમ પ્રમાણે ઝાકિર મંગળવારે સાઉદી અરબથી ભારત પાછા ફરવાના હતા અને મુંબઈમાં મંગળવારના રોજ ઝાકિરની પ્રેસ કોન્ફરન્સ પણ થવાની હતી જે રદ કરી દેવાઈ છે. સૂત્રોના મતે ઝાકિર ભારત આવતા જ મુંબઈ પોલીસ તેની કસ્ટડી પણ લઈ શકે છે.
ઢાકામાં આતંકવાદી હુમલો કરનારામાંથી એક આતંકવાદીએ ઝાકિરથી પ્રભાવિત હોવાની માહિતી આપ્યા બાદથી જ મીડિયા અને સરકારનું ધ્યાન ઝાકિર પર ગયું હતું. ભારતની સાથે જ બાંગ્લાદેશમાં પણ તેના પીસ ટીવી પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ભારતમાં આ ચેનલ મંજૂરી વગર પ્રસારિત થઈ રહી હતી. કેન્દ્ર સરકારે આ મામલે જરૂરી પગલા ઉઠાવવાનું આશ્વાસન આપ્યું છે.
જોકે ઝાકિરના ભારત આવવા પર શંકા વ્યક્ત કરાઈ રહી છે. ઝાકિરની ઓફિસ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશને મીડિયા માહિતિ આપી હતી કે ઝાકિરની મંગળવારે યોજાનાર પ્રેસ કોન્ફરન્સ રદ થઈ છે અને સોમવારે ઝાકિર મુંબઈથી પાછા ફરે તેવી સંભાવના નથી. મુંબઈ પોલીસે ઝાકિરના ઘર અને ઓફિસની સુરક્ષા વધારી દીધી છે. મુંબઈ પોલીસે પણ ઝાકિરના પાછા ફરવા પર સસ્પેન્સ બનાવ્યું છે.
મીડિયા રિપોર્ટસ પ્રમાણે અત્યારે નાઈકના સમર્થન અને વિરોધ બંનેમાં કેટલાંય સંગઠન છે, આથી તેની નજરકેદમાં રખાશે. નાઈક જયાં પણ જશે પોલીસની હાજરી રહેશે, જેથી કરીને કાયદો-વ્યવસ્થામાં અડચણ ના થાય.